Surat News: સુરતના સચિન GIDC વિસ્તારમાં ચારથી પાંચ શ્વાનોના ટોળાએ એક માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકને માથા અને શરીરના વિવિધ ભાગે બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. તાત્કાલિક સારવાર અર્થે બાળકને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, બાળકને શરીર પર ઓછામાં ઓછા 20 જેટલા બચકાંના નિશાન જોવા મળ્યા છે.
શ્વાનો બાળકને ખેંચીને લઈ ગયા
સચિન વિસ્તારનો રહેવાસી સાતથી આઠ વર્ષનો આ બાળક તેના પિતા સાથે સચિન GIDCમાં આવેલા ઇકો ડાયમંડ પાર્ક નજીક ગયો હતો. ત્યાં અચાનક ચારથી પાંચ રખડતા શ્વાનોનું એક ટોળું બાળકને ખેંચીને નિર્જન જગ્યા તરફ લઈ ગયું હતું. આ શ્વાનો બાળક પર તૂટી પડ્યા હતા અને તેને માથા, હાથ-પગ તેમજ શરીરના અન્ય ભાગો પર બચકાં ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો.
બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
શ્વાનોના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે. આ કરુણ અને ગંભીર બનાવને પગલે ફરી એકવાર સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી રખડતા શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી
સિવિલ હોસ્પિટલના ડો. શીતલ ખેરડીયાએ આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સાતથી આઠ વર્ષના આ બાળકને તેના પિતા ઇજાગ્રસ્ત હાલતમાં લાવ્યા હતા. સચિન GIDC ખાતે આવેલી ઇકો ડાયમંડ પાર્ક નામની કંપની બહાર ચારથી પાંચ શ્વાનોએ બાળકને ખેંચીને તેના આખા શરીરે બચકાં ભર્યા હતા. સૌથી વધુ ઈજા માથાના ભાગે થઈ છે, જે ગંભીર કહી શકાય. આ ઉપરાંત, બાળકના બંને હાથ, પગ અને પીઠના ભાગે પણ અનેક ઈજાઓ છે. પ્રાથમિક સારવાર બાદ બાળકને હાલ સર્જરી હેઠળ રાખવામાં આવ્યો છે. બાળકના શરીર પર ઓછામાં ઓછા વીસ જેટલા બચકાંના નિશાન જોવા મળ્યા છે. હાલ બાળક સારવાર હેઠળ છે અને નિરીક્ષણ પછી તેની સ્થિતિ વિશે વધુ કહી શકાશે.
તાજેતરમાં અમદાવાદમાં પાળતું શ્વાનના હુમલાનો બનાવ બન્યો હતો
આવી જ ઘટનાઓ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ સામાન્ય બની ગઈ છે. અમદાવાદમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓનો સિલસિલો સામે આવ્યો હતો. 18 નવેમ્બરના રોજ, પાલડીના હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર એક જ શ્વાને 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હતા. આ ઘટનાઓમાં PGમાં રહેતા એક યુવક પર થયેલા હુમલાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં યુવક એક્ટિવા પાર્ક કરતો હતો ત્યારે શ્વાને તેને બચકું ભર્યું હતું. એક જ દિવસમાં 8 લોકોને કરડવાની ઘટનાએ શહેરીજનોમાં ભારે દહેશત ફેલાવી હતી.
હાથીજણ સર્કલ પાસે પાલતું શ્વાનના હુમલાથી 4 માસની બાળકીનું મોત થયું હતું
થોડા સમય પહેલા અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં એક અત્યંત દુઃખદ ઘટના બની હતી, જ્યાં એક પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની માસી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 માસની બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે યુવતી ફોનમાં વાતોમાં મશગૂલ હતી અને તેના હાથમાંથી શ્વાન છટકી ગયો હતો, જેના કારણે આ કાળો કેર વર્તાવ્યો હતો. પોલીસે આ મામલે શ્વાનના માલિકની ધરપકડ કરી હતી.
