Surat unseasonal rain: સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી એકાએક પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલા આ માવઠાને કારણે ખેડૂતો અને લગ્ન પ્રસંગો વાળા પરિવારોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા આ માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ખેતરોમાં તૈયાર થયેલા શિયાળુ પાક અને શાકભાજીને આ કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે આ માવઠું અનેક પરિવારો માટે મુસીબત લઈને આવ્યું છે. વહેલી સવારે જ્યારે લગ્નની તૈયારી ચાલતી હતી, ત્યારે જ વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક ખુલ્લા પાર્ટી પ્લોટ અને વાડીઓમાં બાંધવામાં આવેલા લગ્ન મંડપ પલળી ગયા હતા. ફૂલોનું ડેકોરેશન અને લાઇટિંગમાં વરસાદી પાણી પડવાથી આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. અનેક પ્રસંગોમાં વરસાદને કારણે જમણવાર અને અન્ય વિધિઓમાં ભારે વિક્ષેપ પડ્યો હતો.

સુરત શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવેલા પલટાએ મહાનગરપાલિકાના તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી શહેરમાં ભવ્ય 'બુક ફેર' એટલે કે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'બુક ફેર' માં મુખ્યમંત્રીના આગમનને લઈ જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો.

કમોસમી વરસાદી પાણીમાં આ વિશાળ ડોમ ભીંજાઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ પરિસ્થિતિને થાળે પાડવા અને કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સવારના વહેલી પોરમાં જ ટ્રકો ભરીને તાડપત્રી મંગાવવામાં આવી હતી, જેથી ભીંજાયેલા ડોમને સુરક્ષિત કરી શકાય અને આયોજન સુચારુ રીતે પાર પાડી શકાય.
