Surat Demolition News: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેની અસર હવે રાજકીય પક્ષના નેતાઓના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે પૂર્વ સુરતના ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય નજીક કોટસફીલ રોડ પર બનેલી આશરે 60 ફૂટ લાંબી દિવાલને મહાનગર પાલિકાના બુલડોઝરે તોડી પાડી છે. મુખ્ય રોડને અડીને ગેરકાયદેસર રીતે ચણાયેલી આ દિવાલ તોડી પાડવાના મુદ્દે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
મુખ્ય માર્ગને અવરોધરૂપ હોવાથી કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીકેએમ હોસ્પિટલની બાજુમાં મુખ્ય રોડને અડીને ચણાયેલી આ દિવાલ પાર્કિંગ બનાવવાના હેતુથી બનાવવામાં આવી હોવાનું જણાય છે, પરંતુ પાલિકાના સત્તાધીશોના મતે આ બાંધકામ ગેરકાયદેસર હતું અને રોડ પર અવરોધરૂપ થતું હતું. મંગળવારે સવારે, સુરત મહાનગર પાલિકાની ડિમોલેશન ટીમ સંપૂર્ણ તૈયારી સાથે સ્થળ પર પહોંચી હતી અને બુલડોઝરની મદદથી આખી દિવાલને ધ્વસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીના કારણે તે વિસ્તારમાં થોડા સમય માટે ચહલપહલ જોવા મળી હતી.
ધારાસભ્ય અરવિંદ રાણાએ શું સ્પષ્ટતા કરી?
આ દિવાલ મુદ્દે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ દિવાલ તેમના ઘરની બહાર નહોતી. તેમણે જણાવ્યું હતું કે, કોટસફીલ રોડ પર ડીકેએમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો, જ્યાં સ્થાનિક લોકો નિયમિતપણે કચરો નાંખતા હતા, જેના કારણે ભારે ગંદકી થતી હતી. સ્થાનિકો લોકોએ આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી." જોકે, પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું કે મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર બાંધકામ હોવાથી તેને દૂર કરવું જરૂરી હતું, અને હવે આ જગ્યાએ પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યું છે.
રાજકીય નેતાઓના વિસ્તારમાં ઝુંબેશની ગુંજ
આ ડિમોલિશન એવા સમયે થયું છે, જ્યારે સુરતમાં ભાજપના જ અન્ય ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા વરાછા વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે.
આ કાર્યવાહીની ગુંજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી છે, જેમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ પણ ચૌટાપુલ વિસ્તારમાં દબાણ હટાવવાની માંગ કરી હતી. આ કાર્યવાહી દ્વારા પાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દબાણ હટાવવાની ઝુંબેશમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે.
