Surat News: સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્ત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. અગાઉ પણ પોલીસ દ્વારા ઘણા બોગસ તબીબોને જેલ ભેગા કર્યા છે, ત્યારે વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. અમરોલી પોલીસની ટીમે છાપરાભાઠા તારવાડી ખાતે આવેલા પટેલ કલીનીકમાં રેડ કરી બોગસ ડોક્ટરને પકડી લીધો હતો. પોલીસે એલોપેથિક દવાઓ તથા સાધનો જપ્ત કર્યા હતા.
અમરોલી પોલીસે બોગસ ડોક્ટરને પકડ્યો
મળતી માહિતી મુજબ, અમરોલી પોલીસની ટીમે છાપરાભાઠા તારવાડી સ્થિત મારુતિધામ મંદિરની બાજુમાં આવેલા પટેલ ક્લિનિકમાં રેડ કરી હતી. જ્યાંથી પોલીસે સુજીત લલ્લારામ પટેલ (ઉ.47) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને સાધનો મળીને કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
યુપીના વતની એવા આરોપી સામે કાર્યવાહી
અમરોલી પોલીસે બોગસ ડોક્ટર સામે બીએનએસ કલમ 125 અને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ 1963ની કલમ 30,35 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલો બોગસ ડોક્ટર સુજીત લલ્લારામ પટેલ મૂળ યુપીના જોનપુર જિલ્લાનો વતની છે.
તેણે જોનપુર જિલ્લામાં આવેલી એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે 3 વર્ષ નોકરી કરી હતી અને તે અનુભવના આધારે સુરતમાં પટેલ ક્લિનિકવાળું બોર્ડ મારીને ક્લિનિક ચલાવતો હતો.
