Surat News: ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ એકશન મોડમાં આવ્યું છે. મનપાની ફૂડ શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એનાલોગ પનીર, ચીઝ બનાવતી, સંગ્રહ કરતી કે વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મનપાએ ઝોનવાઈઝ ટીમો બનાવીને તપાસ હાથ ધરી
મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ, બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે બાદ સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન ઘોડદોડ રોડ વિસ્તારમાં એક સંસ્થામાંથી લગભગ 25 થી 30 કિલો એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. જે આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને તેનો નાશ કરવામાં આવશે.

એનાલોગ ચીઝનો જથ્થો નાશ કરવામાં આવશે
ફૂડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગઇ કાલ રાતથી નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે, એનાલોગ ચીઝ અને પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી આજ સવારથી જ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનના વિવિધ વિસ્તારોમાં એનાલોગ ચીઝ કે પનીર બનાવતાં કે વેચાણ કરતાં એકમો સામે તપાસ હાથ ધરાઈ છે. જે જગ્યાએથી પણ આ જથ્થો મળશે તેને જપ્ત કરવામાં આવશે.

ઘોડદોડ વિસ્તારમાંથી ચીઝનો જથ્થો જપ્ત કરાયો
ઘોડદોડ વિસ્તારમાં આવેલી એક સંસ્થામાંથી લગભગ 25 થી 30 કિલો એનાલોગ ચીઝનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને તેનો નાશ કરવામાં આવશે. આગામી દિવસોમાં એ તકેદારી રાખવામાં આવશે કે કોઈ બનાવે નહી, સંગ્રહ નહી કરે અને વેચાણ નહી કરે અને કોઈ સંગ્રહ કરે, બનાવે કે વેચાણ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
