Surat News: સુરત શહેરમાં રહેતા એક શેરબજારનું કામકાજ કરતા પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવાના માતાના નિર્ણયને રોકવા માટે ફેમિલી કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. દીકરીને સંયમ માર્ગ પર મોકલવા માટે માતા અડગ છે, જ્યારે પિતા આટલી નાની ઉંમરે લીધેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે દંપતી વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે.
પરિણીતા પિયર જતી રહી
માતા પોતાની પુત્રીને લઈને છેલ્લા છ મહિનાથી પિતાથી અલગ રહે છે અને તેણે આગામી 8મી ફેબ્રુઆરી, 2026ના રોજ મુંબઈના બોરીવલી ખાતે યોજાનારા સામુહિક દીક્ષા મહોત્સવમાં દીકરીને દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો છે. પિતાએ આ દીક્ષા રોકવા માટે સુરતની ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
જાણો પિતાએ શું કહ્યું
દીકરીની દીક્ષા રોકવા માટે કોર્ટમાં પહોંચેલા પિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને તેમના પરિચિતો દ્વારા આ વાતની ખબર પડી હતી. તેમણે પત્ની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો કે દીકરી જ્યારે મોટી થઈ જાય અને પોતાનો નિર્ણય જાતે લઈ શકે ત્યારે દીક્ષા લે તો કોઈ સમસ્યા નથી.
જોકે, તેમની પત્ની નાની ઉંમરે દીક્ષા લેવા માટે જીદ કરતી હતી અને ઝઘડો કરીને પિયર ચાલી ગઈ હતી. પિતાએ આક્ષેપ કર્યો કે પત્નીએ કહ્યું હતું કે, "જ્યાં સુધી તમે દીક્ષા માટે તૈયાર નહીં થાવ ત્યાં સુધી હું ઘરે નહીં આવું." આ કારણોસર તેમણે ન્યાય માટે કોર્ટનો સહારો લીધો છે.
કોર્ટમાં બાળકીના કલ્યાણ અને અધિકારોની દલીલ
પિતા વતી કેસ લડી રહેલા વકીલ સ્વાતિ મહેતાએ માહિતી આપી હતી કે, તેમની તરફથી કોર્ટમાં અરજી દાખલ કરીને મનાઈ હુકમ મેળવવા માટે તજવીશ કરવામાં આવશે. તેમની મુખ્ય દલીલ એ રહેશે કે, આટલી નાની ઉંમરની બાળકી સંયમ માર્ગ પર જવાનો નિર્ણય જાતે લઈ શકે તેમ નથી. વકીલનું ધ્યાન બાળકીના કલ્યાણ અને તેના કાયદાકીય અધિકારો પર કેન્દ્રિત છે, અને કોર્ટ સમક્ષ બાળકના હિતનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ફેમિલી કોર્ટે આ મામલે માતાને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 22મી ડિસેમ્બરે રાખી છે.
મુંબઈમાં 59 મુમુક્ષુઓનો મહોત્સવ વિવાદમાં
નોંધનીય છે કે, મુંબઈમાં યોજાનારા આ પાંચ દિવસીય સામુહિક દીક્ષા મહોત્સવમાં 71 વર્ષના સૌથી વરિષ્ઠ મુમુક્ષુથી લઈને સુરતની આ સાત વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ છે. ઉલ્લેખનીય છે કે, સાત મહિના પહેલાં પણ સુરતમાં જ 12 વર્ષીય કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે કોર્ટે દીક્ષા પર સ્ટે લગાવીને બાળકને માતા પાસે રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે આ સાત વર્ષની બાળકીના કિસ્સામાં કોર્ટ શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
