સુરતના કુખ્યાત 'સતીશ મરાઠા'ની ઘાતકી હત્યા: મહિલા મિત્રની હાજરીમાં પાંચ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો, માથાના ભાગે ઘા ઝીંકતા મોત થયું

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કુખ્યાત સતીશ મરાઠાની મહિલા મિત્રની હાજરીમાં 4થી 5 હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા કરી. પોલીસ ગેંગવોર, જૂની અદાવત અને સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 10:16 AM (IST)Updated: Thu, 06 Aug 2026 10:16 AM (IST)
surat-gangster-satish-maratha-brutally-murdered-bhestan-police

Surat News: સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભીમ આવાસ નજીક 'રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ'ના સક્રિય સભ્ય એવા સતીશ સુરેશ ધાડગે ઉર્ફે સતીશ મરાઠાની 4થી 5 અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે બર્બરતાપૂર્વક ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહિલા મિત્રની નજર સામે ઘાતક હુમલો

પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર, સતીશ મરાઠા પોતાની કારમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. કાર પાર્ક કર્યાના અડધા કલાક બાદ 4થી 5 હુમલાખોરો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને સતીશને કારમાંથી બહાર ખેંચીને તેના પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ સતીશના મોઢા, છાતી અને માથાના ભાગે હથિયારોના ઘા ઝીંક્યા હતા તેમજ હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી.

મહિલા મિત્રની નજર સામે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સતીશનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું. હત્યા બાદ હુમલાખોરો 1 તલવાર સહિત 2 હથિયારો સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા.

ગેંગવોર અને જૂની અદાવતના એંગલથી તપાસ

બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસો કાફલો ઘટના સ્થલે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી 1 તલવાર ને 2 તીક્ષણ હથિયારોને જપ્ત કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 4થી 5 શંકાસ્પદોના નામો સામે આવ્યા હતા. જોકે, હત્યામાં કોની કોની સંડોવણી હતી. ઉપરાંત આ જૂની અદાવત કે ગેંગવોરના લીધે હત્યા કરાઈ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મહિલા મિત્રની પૂછપરછ તેમજ સીસીટીવી તપાસ

ભેસ્તાન પોલીસે હત્યા સમયે હાજર મહિલા મિત્રની વિસ્તૃત પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ કોણ હતા. તે કઈ બાજુ ભાગ્યા હતા. તેમજ હત્યા દરમિયાન આરોપીઓએ મૃતક સાથે શું વાતચીત કરી તે દિશામાં પોલીસ વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ હુમલાખોરો ભાગ્યા તે વિસ્તારનાી સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસે વધુ તપાસ શરુ કરી રહી છે.

મૃતક સતીશ મરાઠાનો ગુનાહિત ઇતિહાસ

સતીશ મરાઠા રાહુલ એપાર્ટમેન્ટ ગેંગમાં બીજા ક્રમનો મુખ્ય સાગરિત હતો અને અગાઉ બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાંથી નિર્દોશ છૂટ્યો હતો. વર્ષ 2024માં કોર્ટ પરિસરમાંથી પોલીસની હાજરી વચ્ચે સોશિયલ મીડિયા રીલ બનાવીને તે ભારે વિવાદમાં આવ્યો હતો. પોલીસે હાલ જૂની અદાવત, વર્ચસ્વની લડાઈ અને ગેંગવોર મુદ્દે તપાસ વધુ તેજ કરી છે.