Surat: સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ' તૈયાર કરી છે, સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા આધુનિકીકરણના ભાગરૂપે પહેલા માળે શાકમાર્કેટ તૈયાર કરવામાં આવી છે.
આ શાક માર્કેટની ડિઝાઈન તેની વિશેષતા છે. પરંપરાગત માર્કેટમાં માલસામાન ઉતારવા અને ચડાવવામાં સમય લાગતો અને ટ્રાફિકની સમસ્યા પણ રહેતી હતી. જો કે હવે આ નવી એલિવેટેડ માર્કેટમાં એરપોર્ટની જેમ 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે. જેના થકી ટ્રક અને ટેમ્પો જેવા હેવી વ્હીકલ્સ સીધા પહેલા માળે દુકાનની સામે જ જઈ શકે છે. આ સુવિધાને કારણે ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલસામાન દુકાનની બરાબર સામે જ ઉતારી શકે છે, જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે.
વધુમાં આ માર્કેટમાં કુલ 108 જેટલી દુકાનો તૈયાર કરવામાં આવી છે અને વેપારીઓની સુવિધાને ધ્યાને રાખી દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત દુકાનની બહાર માલ સમાન મૂકવા માટે પુરતી મોકળાશવાળી જગ્યા પણ રાખવામાં આવી છે જેથી કરીને વેચાણ કે હરાજી પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે,
વેપાર ઉપરાંત સુરત APMCએ સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્કેટમાં માલ લઈને આવતા ખેડૂતો અને માર્કેટમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થને ધ્યાનમાં લઈને અહી મેડિકલની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જ્યાં કામદારો માટે સંપૂર્ણપણે મફત સારવારની વ્યવસ્થા છે. જેથી ગરીબ શ્રમિકોને નાની-મોટી બીમારીમાં આર્થિક બોજ ન સહન કરવો પડે.
સુરતની APMCમાં દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાના ફળો અને શાકભાજી વેચવા આવે છે. રોજિંદા અંદાજે 15,000 જેટલા ખેડૂતો, ફેરિયાઓ અને વેપારીઓ અહીં મુલાકાત લે છે. સુરત APMC સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે. વાર્ષિક 3700 કરોડ રૂપિયાના તોતિંગ ટર્નઓવર સાથે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે.
ખાસ કરીને પર્યાવરણ જાળવણીમાં પણ APMC માર્કેટ પાછળ નથી. અહી વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. બગડી ગયેલા શાકભાજી અને કચરાને આ પ્લાન્ટમાં નાખીને તેમાંથી CNG ગેસ બનાવવામાં આવે છે, જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે.
