Surat: મુંબઈમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી સારોલીથી ઝબ્બે, 6 ગુનાનો ભેદ ઉકેલાયો; રૂ.45.26 લાખનો મુદ્દામાલ જપ્ત

મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત પોલીસે 45.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે સારોલી પોલીસે તેને અંત્રોલી ગામ પાસેથી પકડી મુંબઈ પોલીસને સોંપ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Aug 2026 06:28 PM (IST)Updated: Thu, 06 Aug 2026 06:28 PM (IST)
surat-news-saroli-police-held-notorious-criminal-housebreak-thief

Surat News: મુંબઈ શહેરના MHB કોલોની પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના 6 ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. આરોપી રાજસ્થાન ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જતો હતો, ત્યારે સારોલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 33 તોલા સોનાના દાગીના સહીત કુલ 45.26 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરતમાં સારોલી પોલીસની ટીમે અંત્રોલી ગામ પાસેથી આરોપી કમલજીતસિંગ ઉર્ફે શનીસિંગ કુલજીતસિંગ ગુરદીપસિંગ બંગુ (26)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 44.12 લાખની કિમંતના 329.3 ગ્રામ સોનાના દાગીના, 70 હજાર રોકડા રૂપિયા, 24 હજારનો એક મોબાઈલ ફોન, 20 હજારની કિમંતની બે કાંડા ઘડિયાળ મળી કુલ 45,26,690 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરત પોલીસની તપાસમાં આરોપી મુંબઈ શહેરના એમ.એચ.બી. કોલોની પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના 6 ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પકડાઈ જતા મુંબઈ શહેરના એમ.એચ.બી. કોલોની પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

આ અંગે DCP ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું કે, વાહન ચેકિંગ દરમ્યાન આરોપી શંકાસ્પદ હાલતમાં હતો અને તેની પાસેની બેગ ચેક કરતા 45 લાખનો મુદામાલ મળ્યો હતો અને આરોપીની પૂછપરછમાં તે મુંબઈ મહારાષ્ટ્રનો વતની છે અને અગાઉ તેની સામે મુંબઈમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે.

વર્ષ 2017થી તે આવી રીતે નાની મોટી ચોરીઓ કરે છે, પ્રાથમિક તપાસ અને મુંબઈ પોલીસ સાથે વાત કરતા ખબર પડી કે તેનું ફેમીલી અને બહેન પણ આ જ પ્રકારની ચોરીના કામમાં સંડોવાયેલી છે. હાલ આરોપીને મુંબઈ પોલીસને સોપવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે આરોપી મુંબઈમાં ચોરી કરી બધો સમાન લઈને રાજસ્થાન ખાટું શ્યામ મંદિરે દર્શન કરવા માટે જતો હતો. જે માટે દરમ્યાન મુંબઈથી બેસીને સુરત આવ્યો હતો અને આ દરમ્યાન તે પકડાઈ ગયો હતો. આરોપી જે રેકી કરી જગ્યાએ ઘર બંધ હોય બહાર ન્યુઝ પેપર પડેલા હોય કે પૂજાનો સમાન બે ત્રણ દિવસથી પડેલા હોય તે ઘરને ટાર્ગેટ કરતો હતો અને રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતો હતો.