Surat: કોલેજ જતી વિદ્યાર્થિનીને અજાણ્યા વાહને અડફેટે લેતાં કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ પાસે અકસ્માતમાં મોપેડ સવાર 22 વર્ષીય વિદ્યાર્થિની સ્નેહા ઘોરીનું કરુણ મોત નીપજ્યું છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 12:26 PM (IST)Updated: Thu, 06 Aug 2026 12:26 PM (IST)
surat-road-accident-college-student-sneha-ghori-dies-near-civil-hospital

Surat Accident News: સુરતમાંથી અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. 22 વર્ષીય યુવતી મોપેડ પર કોલેજ જતી હતી. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધી હતી. આ ઘટનામાં ગંભીર ઈજાના કારણે યુવતીનું મોત નીપજ્યું છે. મૃતક યુવતી સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી. તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

કોલેજ જતી વિદ્યાર્થિનીનું અકસ્માતમાં મોત

મળતી માહિતી મુજબ, સુરતના લંબે હનુમાન રોડ ત્રિકમ નગર ચોપાટી પાસે રહેતી 22 વર્ષીય સ્નેહા પ્રકાશભાઈ ઘોરી મોપેડ લઈને કોલેજ જતી હતી. સ્નેહા નવી સિવિલ હોસ્પિટલના મેઈન ગેટથી આગળ પસાર થતી હતી. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતા અથવા કોઈ કારણોસર પોતાની જાતે પડી જવાથી તેને ગંભીર ઈજાઓ થઇ હતી. સ્નેહાને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.

સાયકોલોજીમાં ભવિષ્ય બનાવવાનું સ્વપ્ન રોળાયું

સ્નેહાને શરીરના ભાગે ઈજાઓ તેમજ લીવર અને કિડનીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી, તેમજ ઈન્ટરનલ બ્લીડિંગ પણ થઇ ગયું હતું યુવતી સ્નેહા સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી રહી હતી અને ભવિષ્યમાં સાઇકિયાટ્રિસ્ટ બની સમાજસેવા કરવાનું સ્વપ્ન સેવી રહી હતી.

તેના પિતા એમ્બ્રોઈડરીના કારખાનેદાર છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.