ધ્રાંગધ્રાના તારંગાધામમાં મોટો ઝઘડો; પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ ચુલી નજીક તારંગાધામમાં પૂજારીએ પત્નીની લાકડી મારી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી. બપોરે સ્કૂલેથી આવેલા બાળકોએ બનાવ જોતા સમગ્ર ઘટના સામે આવી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 04 Aug 2026 11:43 PM (IST)Updated: Tue, 04 Aug 2026 11:43 PM (IST)
dhrangadhra-murdersuicide-priest-kills-wife-hangs-self

Crime News Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ પાસે આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામ પરિસરમાં મંગળવારે બપોરે એક અત્યંત ચકચારમચાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં દેરાસરમાં છેલ્લા છ વર્ષથી સેવા-પૂજા કરતા પૂજારી અને તેમની પત્નીના બંધ રૂમમાંથી મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

સ્કૂલેથી પરત ફરેલા બાળકોએ દરવાજો ખખડાવ્યો પણ ન ખૂલ્યો

પોલીસ અને સ્થાનિક વર્તુળો પાસેથી મળતી વિગતો અનુસાર, મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની 38 વર્ષીય પ્રવીણભાઈ રાઠવા અને તેમની 35 વર્ષીય પત્ની વર્ષાબેન રાઠવા મંદિર પરિસરમાં આવેલા નિવાસસ્થાનમાં રહેતા હતા. મંગળવારે બપોરના સમયે તેમના બાળકો શાળાએથી ઘરે આવ્યા ત્યારે મકાનનો દરવાજો અંદરથી બંધ હતો.

બાળકોએ વારંવાર બારણું ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં બારીનો કાચ તોડીને અંદર જોતાં જ લોકોના હોશ ઊડી ગયા હતા. રૂમમાં વર્ષાબેન લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા જ્યારે પ્રવીણભાઈ છત સાથે ટીંગાયેલી હાલતમાં હતા.

ઝઘડા બાદ આવેશમાં આવીને હત્યા અને પશ્ચાતાપમાં આત્મહત્યા!

ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ એન. એચ. ચુડાસમા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દરવાજો તોડીને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ અને પીઆઈ ચુડાસમાના જણાવ્યા અનુસાર, દંપતી વચ્ચે અંદરથી બંધ રૂમમાં કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી. આવેશમાં આવેલા પ્રવીણભાઈએ લાકડી વડે પત્ની વર્ષાબેનના માથાના ભાગે કડક પ્રહાર કરતા તેમનું ઘટનાસ્થળે જ રક્તસ્રાવના કારણે મોત નીપજ્યું હતું. પત્નીના મોત બાદ ગભરાઈ ગયેલા અને પશ્ચાતાપમાં સળગતા પતિએ પણ એ જ રૂમમાં પંખા સાથે ફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો હતો.

naidunia_image

FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

પોલીસે સ્થળ પરથી જરૂરી ફોરેન્સિક પુરાવા એકત્ર કરવા માટે FSL ટીમની મદદ લીધી છે. બંને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોત અને હત્યાની દિશામાં કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.