સુરેન્દ્રનગર LCB કચેરીમાં ચકચાર: ચોરીના આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાનો પોલીસ કસ્ટડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર, ઝીંઝુવાળા ગામના વતની ગજેન્દ્રસિંહ ઝાલા નામના આરોપીને ચોરીના ગુનામાં LCB દ્વારા પકડવામાં આવ્યો હતો અને તે કચેરીના કસ્ટડીમાં હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 05 Dec 2025 10:01 AM (IST)Updated: Fri 05 Dec 2025 10:01 AM (IST)
gajendrasinh-jhala-accused-of-theft-commits-suicide-by-hanging-himself-in-police-custody-at-surendranagar-lcb-office-649873

Surendranagar LCB Office: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની કચેરીમાં ચોરીના ગુનામાં પકડાયેલા એક આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યા કરી લેતા સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ કસ્ટડીમાં જ આરોપીનું મોત થવાથી આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પોલીસ કસ્ટડીમાં આપઘાત કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, ઝીંઝુવાળા ગામના વતની ગજેન્દ્રસિંહ ઝાલા નામના આરોપીને ચોરીના ગુનામાં LCB દ્વારા પકડવામાં આવ્યો હતો અને તે કચેરીના કસ્ટડીમાં હતો. ગત મોડી રાત્રે અથવા વહેલી સવારે, આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ LCB કચેરીના શૌચાલયમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

શૌચાલયમાંથી ગજેન્દ્રસિંહ ઝાલાની ડેડબોડી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં જ પોલીસ કચેરીમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત થવું એ કાયદાકીય રીતે ગંભીર મામલો ગણાય છે. કાયદા મુજબ, કસ્ટોડિયલ ડેથના કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ ફરજિયાત બને છે. આ ઘટનાને પગલે આ મામલે પણ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાથી સવાલો ઊભા થયા

LCB કચેરીની કડક સુરક્ષા વચ્ચે આરોપી શૌચાલયમાં કેવી રીતે ગળેફાંસો ખાઈ શક્યો?, કસ્ટડીમાં રહેલા આરોપી પર પૂરતી નજર કેમ રાખવામાં ન આવી?, આરોપીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું? પોલીસ કસ્ટડીમાં થયેલા આ મોતના કારણે કાયદાકીય પ્રક્રિયા અને પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થચિહ્ન લાગ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવાયો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. આ મામલે વિશેષ તપાસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.