Surendranagar Rainfall Report: લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં અવીરત વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગરના ચુડામાં ભારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 01/08/2026 ના રોજ વહેલી સવારે 06:00 થી 08:00 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે, જેમાં ચુડા અને વઢવાણ તાલુકામાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે.
ચુડા અને વઢવાણમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચુડા તાલુકામાં નોંધાયો છે. અહીં સવારે 06:00 થી 08:00 ના માત્ર 2 કલાકમાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવી જ રીતે વઢવાણ તાલુકામાં પણ ધોધમાર 2.56 ઇંચ વરસાદ પડ્યો છે. ટૂંકા ગાળામાં પડેલા આ ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સવારના સમયે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં
મૂળી, લીંબડીમાં 1 ઇંચ, લખતરમાં પોણો ઇંચ, સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રામાં અડધો ઇંચ,થાનગઢમાં અને દસાડામાં પણ વરસાદ પડ્યો છે.
સમગ્ર જિલ્લામાં મેઘમહેર થતાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગઈકાલે સુરેન્દ્રનગરમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગઈકાલે સુરેન્દ્રનગરના લખતરમાં સાડા ત્રણ ઈંચ, સાયલામાં સવા ત્રણ ઈંચ, ચૂડા,મુળી અને વઢવાણમાં પોણા ત્રણ ઈંચ, થાનગઢ, ચોટીલા, ઘ્રાંગધ્રા, લીમડી અને દસાડામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.
