Surendranagar: સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા ASI સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડ્યા બાદ ધજાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સંજયસિંહ રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ દરોડામાં 16 બ્રોકરો સહીત 23 જેટલા શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ કરતા આ ડબ્બા ટ્રેડીંગમાં 100 કરોડથી વધુને હિસાબી વ્યવહાર મળ્યા છે. આંગડીયા પેઢીથી હારજીતની રકમ લેતી-દેતી કરવામાં આવતી હોવાનું ખુલ્યું છે. સમગ્ર કેસની તપાસ જેતપુરના પી.આઈ એ.ડી.પરમારને સોપવામાં આવી છે.
રાજકોટ રેન્જની ટીમના દરોડામાં પોલીસે ઘટનાસ્થળેથી દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલભાઇ કરશનભાઇ સિંધવ, અરૂૂણભાઇ મહેન્દ્રભાઇ કોઠારી, દલસુખભાઇ કરશનભાઇ સિંધવ, વિજયભાઇ ગોવિંદભાઈ દેત્રોજા અને મકાનમાલિક નાથુભા કાનાભા રાઠોડ એમ કુલ 6 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસ ટીમે સ્થળ પરથી 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, નોટબુક, વાઈ-ફાઈ ઉપકરણો, ચાર્જરો અને રોકડ રકમ મળીને કુલ રૂ. 3,07,000નો મુદ્દામાલ જપ્ત કરીને કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં જતીન, લાલો, નિતેશ, એમએનટી , અજય, ડી.આર, સીસી , આકાશ , ચિરાગ, કે.પી , સુરેશ, સની, મિતલ, સ્વેતાંશુ અને પ્રશાંત નામના 16 બ્રોકરોના નામ ખુલ્યા છે.
ASI સંજયસિંહ રાઠોડ તેમજ પકડાયેલા 6 ગ્રાહકો અને સંચાલકો મળી કુલ 23 આરોપીઓ સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જે બાદ આ ગેરકાયદેસર શેર બજાર ડિલિંગ નેટવર્ક મામલે ધજાળાના ASI સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી જેતપુર પોલીસને સોંપાઈ છે.
રેન્જ આઈ.જીની ટીમે ગેરકાયદેસર શેર બજારના ડિલિંગનું નેટવર્ક ઝડપી લીધું હતું અને આ નેટવર્ક રતનપર રામેશ્વર ટાઉનશીપમાં સંજયસિંહ રાઠોડના ઘરે જ ચાલતું હતું. તપાસ દરમિયાન 100 કરોડથી વધુના લેતીદેતીના હિસાબો મળ્યા હતા. આંગડીયા પેઢીથી હારજીતની રકમ લેતી-દેતી કરવામાં આવતી હતી. પોલીસે કબજે કરેલ 10 લેપટોપ, 29 મોબાઈલ અને અન્ય સાહિત્યની તપાસ શરૂ કરાઇ છે.
આ બનાવથી સુરેન્દ્રનગરમાં પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની શક્યતાઓ સેવાઇ રહી છે.આ ઘટનાની તપાસ હવે રેન્જ આઇજીપી નિર્લિપ્ત રાયે જેતપુર પોલીસને સોંપી છે.
