Surendranagar: પોલીસકર્મીના ઘરમાં હાઈટેક શેરબજારના જુગારનો પર્દાફાશ, 6 શખ્સોની ધરપકડ, ફરાર પોલીસકર્મી સહિત 23 સામે ફરિયાદ

સુરેન્દ્રનગરના રતનપરમાં રામેશ્વર ટાઉનશીપમાં આવેલા પોલીસકર્મીના ઘરમાં ચાલતા શેરબજારના હાઈટેક ડબ્બા ટ્રેડિંગના જુગારધામ પર દરોડો પાડ્યો. જેમાં, 10 લેપટોપ અને 29 મોબાઈલ સાથે 6 ઇસમોની અટકાયત કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 05 Aug 2026 12:34 PM (IST)Updated: Wed, 05 Aug 2026 12:34 PM (IST)
surendranagar-police-constable-house-dabba-trading-rameshwar-township-ratanpar-6-arrested-23-booked

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રતનપર રામેશ્વર ટાઉનશીપમાં ખુદ એક પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાંથી શેરમાર્કેટના ડબ્બા ટ્રેડિંગ (શેરોના ભાવ વધઘટ પર જુગાર) નું મોટું નેટવર્ક ઝડપાયું છે.

પોલીસકર્મીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું

રાજકોટ રેન્જની ટીમે સપાટો બોલાવીને સ્થળ પરથી 6 શખ્સોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા છે. આ મકાન નાથુભા કાનાભા રાઠોડ અને પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડના કબ્જા ભોગવટાનું હોવાનું ખુલ્યું હતું. આ બંને પોતાના સાગરીતો સાથે મળીને ગ્રાહકો ઉભા કરતા હતા અને શેરમાર્કેટમાં થતા ભાવના વધારા-ઘટાડા પર સોદાઓ મેળવતા હતા.

naidunia_image

પોલીસે લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા

આ સોદાઓ કોઈપણ પ્રકારના આધાર કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે અલગ-અલગ 16 જેટલા બ્રોકરો પાસે કપાત કરાવી નસીબ આધારિત હાર-જીતનો જુગાર રમાડતા હતા. પોલીસે રેઇડ દરમિયાન હાઇટેક ઉપકરણોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેની કુલ કિંમત રૂ. 3,07,000/- થાય છે. પોલીસે જપ્ત કરેલા તમામ 10 લેપટોપ અને 29 મોબાઈલ ફોનના મોડલ અને સિરીયલ નંબર સાથેની ઝીણવટભરી વિગતો પંચનામામાં નોંધીને તમામ મુદ્દામાલ જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

naidunia_image

આ મોટી કાર્યવાહીને પગલે સુરેન્દ્રનગર પંથકમાં ગેરકાયદેસર શેરબજારનો ડબ્બા ટ્રેડિંગ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગુનામાં પોલીસ કર્મચારીની જ સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.