Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. SOGની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડીને કપાસના વાવેતરની આડમાં કરવામાં આવેલું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે. જપ્ત કરાયેલા ગાંજાના છોડની કિંમત પોણા ત્રણ કરોડ આંકવામાં આવી છે.
SOGની ટીમે આ ઓપરેશનને અંજામ આપવા માટે સતત 19 કલાક સુધી રેડની કાર્યવાહી કરી હતી. ખેતરમાં ગાંજાના છોડ 12 ફૂટ જેટલા ઊંચા હોવાથી તેને ઉખેડવા માટે એક ડઝન ગ્રામ રક્ષક દળ જવાનોની મદદ લેવામાં આવી હતી, જેઓ ગ્રામ્ય વિસ્તારના હોવાથી ખેતીકામથી માહિતગાર હતા.
559 કિલો વજનના લીલા ગાંજાના કુલ 180 છોડ જપ્ત કરાયા, જથ્થો કબજે કરવાની મુશ્કેલી
ગાંજાના છોડ એટલા મોટા હતા કે મુદ્દામાલ કબજે કરવા માટે પોલીસ પાસે કોથળા પણ ખૂટી પડ્યા હતા. 12 ફૂટ લાંબા છોડ માટે સિલીંગ પેકિંગ કરવા માટે 15x20ના પ્લાસ્ટિકના કંતાનનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ટ્રેક્ટર ભરીને લઈ જવાયો જથ્થો
જપ્ત કરાયેલો તમામ જથ્થો એક આખું ટ્રેક્ટર ભરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.આ કાર્યવાહીમાં પોલીસે 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
