Surendranagar: સુરેન્દ્રનગર સહિત સમગ્ર ઝાલાવાડ પંથકમાં સગીરાઓ પર દુષ્કર્મ અને અપહરણના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક બનાવ દસાડા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ અધુરા માસે મૃત બાળકને જન્મ આપતાં મામલો પોલીસના ચોપડે ચડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દસાડા તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી સગીરાને આજથી બે દિવસ પહેલા પેટમાં દુખાવો ઉપડતાં પાટડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં સગીરાના પેટમાં 5 માસનો ગર્ભ હોવાનું નિદાન થતાં તેને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સગીરાએ 5 માસના મૃત બાળકને જન્મ આપ્યો હતો.
જ્યાં પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતાં તેણે ગામમાં ઘરની અંદર દુકાન બનાવી બિસ્કિટ અને પડીકા વેચતા અજીત ઠાકોરનું નામ આપ્યું હતુ. સગીરા અજીતની દુકાને પડીકા લેવા ગઈ, ત્યારે તે સગીરાને પોતાના ઘરમાં ખેંચીને લઈ ગયો હતો, જ્યાં અજીતે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આટલું જ નહી, આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ પાટડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજીત ઠાકોર વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
