Tapi Rain News: ગુજરાતમાં હાલ મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરાયેલા 24 કલાકના વરસાદી આંકડા પ્રમાણે તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને લીધે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તેમજ વાલોડમાં 17 રસ્તાઓ ભારે વરસાદને પગલે બંધ કરાયા છે.
ડોલવણમાં 14 ઇંચથી વધુ વરસાદ, 11 લોકોને બચાવાયા
આ પણ વાંચો
તાપી જિલ્લામાં વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, ડોલવણ તાલુકો જિલ્લામાં મોખરે રહ્યો છે. જેમાં સૌથી વધારે 14.88 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આટલા ભારે વરસાદને લીધે સમગ્ર વિસ્તારમાં જળબંબોળની સ્થિતિ જોવા મળી રહી છે. ડોલવણ બાદ વાલોડ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યાં 10.08 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં પણ 9.49 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસરગ્રસ્ત થયું હતુ. ભારે વરસાદને પગલે ડોલવણ તાલુકાના ધોડિયાવાડ ફળિયામાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં બચાવ ટીમો દ્વારા 11 લોકોને બચાવાયા હતા.

જિલ્લાના અન્ય તાલુકાઓની સ્થિતિ
તાપીના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સોનગઢ તાલુકામાં 7.48 ઇંચ, ઉકાઈ વિસ્તારમાં 4.25 ઇંચ જેટલો વરસાદ પડયો છે. જ્યારે બીજી બાજુ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જેમાં નિઝર પંથકમાં 1.1 ઇંચ, ઉચ્છલ તાલુકામાં 1.1 ઇંચ ને કુકરમુંડા તાલુકામાં 0,98 ઇંચ વરસાદ નોંધાયો છે.

વાલોડમાં પંચાયત હસ્તકના 17 રસ્તા બંધ
વાલોડ તાલુકામાં ભારે વરસાદને લીધે 17 રસ્તાઓ પર વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયું છે. નનસાડ ટુ ઈનમા બુટવાડા રોડ, ધામોદલા બંગલી ફળિયા રોડ, રાનવેરી નાલોઠા નવી વસાહત રોડ, ડુમખલ એપ્રોચ રોડ, વાલોડ જકાતનાકા ટુ શેઢી ફળિયા રોડ, દેગામા ગામીત ફળિયા ટુ ટાંકલી ફળિયા રોડ, દેગામા ટોકર ફળીયા એપ્રોચ જોઈનીંગ બાજીપુરા દેગામા રૂપવાડા રોડ, દેગામા ધોધીયા ફળીયા ટુ અંબાચ ગામીત ફળીયા રોડ, બુટવાડા ઈનમા ટુ વાલોડ ઉકાઈ કોલોની રોડ
વાલોડ શેઢી ફળીયા ટુ બુટવાડા રોડ, વાલોડ અલગટ ગૌતમભાઈ નરદેવભાઈના ઘરેથી મહુવા અલગટને જોડતો રસ્તો, અલગટ વિલેજ ટુ ટેલાભાઈ ચૌધરી ફળીયા ટુ વોર્ડ રોડ, શાહપોર નનસાડ ખાંભલા નવી વસાહત રોડ, રાનવેરી નાલોઠા કેળકુઈ રોડ, અલગટ દિવાન ફળીયાથી પારસી ફળીયા રોડ, રોડ ફ્રોમ એસ. એચ. વે ટુ ટાંકલી ફળીયા રોડ એમ કુલ 17 રસ્તાઓ બંધ કરાયા.

તાપી જિલ્લાના 24 કલાકમાં નોંધાયેલા વરસાદી આંકડા
- ડોલવણ: 14.88 ઇંચ
- વાલોડ: 10.08 ઇંચ
- વ્યારા: 9.49 ઇંચ
- સોનગઢ: 7.48 ઇંચ
- ઉકાઈ: 4.25 ઇંચ
- નિઝર: 1.1 ઇંચ
- ઉચ્છલ: 1.1 ઇંચ
- કુકરમુંડા: 0.98 ઇંચ
સવારે 06:00 થી 08:00 વાગ્યા દરમિયાન તાપી જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા
- વ્યારા: 1.34 ઈંચ
- ડોલવણ:1.30 ઈંચ
- વાલોડ: 1.10 ઈંચ
- ઉકાઈ: 0.67 ઈંચ
- સોનગઢ: 0.28 ઈંચ
- નિઝર: 0.12 ઈંચ
- કુકરમુંડા:0.08 ઈંચ
