Tapi Rainfall Report: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તાપી જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા વરસાદી આંકડા મુજબ, 31 જુલાઈ સવારના 6 વાગ્ચાથી 1 ઓગસ્ટ સવારના 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા પ્રમાણે તાપીના વિવિધ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.જેમાં ડોલવણમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ડોલવણમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચો
તાપી જિલ્લામાં સૌથી વધારે વરસાદ ડોલવણ તાલુકામાં ખાબક્યો છે. અહીં માત્ર 24 કલાકના સમયગાળામાં 16.73 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા માર્ગો પર નદીઓ વહેતી થઈ છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસરગ્રસ્ત થયું છે.
વાલોડ અને વ્યારામાં પણ મેઘરાજાની બેટિંગ
ડોલવણ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વાલોડ તાલુકામાં 7.32 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેવી જ રીતે વ્યારા તાલુકામાં 6.26 ઈંચ અને સોનગઢ તાલુકામાં 5.35 ઈંચ વરસાદ પડ્યો છે. મુશળધાર વરસાદને પગલે સ્થાનિક જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.
જિલ્લાના અન્ય વિસ્તારોની સ્થિતિ
તાપી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે, જેના આંકડા નીચે મુજબ છે
- ઉકાઈ: 4.45 ઈંચ
- નિઝર: 4.41 ઈંચ
- ઉચ્છલ:3.5 ઈંચ
- કુકરમુંડા:2.17 ઈંચ
તાપી જિલ્લામાં થયેલા મૂશળધાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદ વરસતાં તાપી જિલ્લાની નદીઓમાં નદીની નવી આવક શરુ થઈ છે. તેની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
