Tapi: વાલોડની હાઈસ્કૂલમાં ધો.9ની વિદ્યાર્થિની પર સાથે ભણતી છાત્રાનો જીવલેણ હુમલો, બાથરૂમમાં મળવા બોલાવી ચપ્પુ મારી દીધું

ચપ્પુનો ઊંડો ઘા વાગતા વિદ્યાર્થિનીના હાથની બન્ને મુખ્ય ધોરી નસો કપાઈ ગઈ હતી. તબીબોએ જટિલ સર્જરી કરીને બાળકીના હાથમાં 20 ટાંકા લીધા, હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Jun 2026 03:59 PM (IST)Updated: Wed, 24 Jun 2026 04:28 PM (IST)
tapi-news-girl-students-attack-with-knife-in-valod-ashram-school
HIGHLIGHTS
  • ભોગ બનનાર અને હુમલાખોર વિદ્યાર્થિની વચ્ચે કોઈ અદાવત નહતીઃ પરિવારજન

Tapi News: તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 13 વર્ષની વિદ્યાર્થી પર તેના જ ક્લાસમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીનીના હાથ પર ગંભીર ઈજા પહોચતા તેને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તબીબો દ્વારા બાળકીના હાથમાં 20 ટાંકા લેવાયા છે અને હાલ સારવાર હેઠળ છે.

ગળું પકડી જમીન પર પટક્યા બાદ હાથમાં ચપ્પુ ઘુસાડી દીધું

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલી અંબાજ હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. 13 વર્ષની વિદ્યાર્થી પર તેના જ ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીનીને બહાનું કાઢીને શાળાના ત્રીજા માળે આવેલા બાથરૂમમાં મળવા બોલાવી હતી. જ્યાં અન્ય વિદ્યાર્થીએ સૌ પ્રથમ તેનું ગળું પકડીને જમીન પર પછાડી દીધી હતી અને બાદમાં હાથ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોચી હતી, જેથી પ્રથમ તેને વ્યારાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબીબોએ બાળકીના હાથમાં 20 ટાંકા લીધા છે. હાલ વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


આંગળીઓ અને હાથનું હલનચલન કરતી મુખ્ય ટેન્ડસ કપાઈ ગઈ

ચપ્પુનો ઘા એટલો ઘાતક હતો કે, છેક હાડકા સુધી પહોચી ગયો હતો તેમજ હુમલાના કારણે હાથની બંને મુખ્ય ધોરી નસો કપાઈ ગઈ હતી. તેમજ આંગળીઓ અને હાથનું હલનચલન સંચાલિત કરતી મુખ્ય ચેતાતંતુની નસો (મીડિયન અને અલ્નર નર્વ્ઝ) તેમજ સ્નાયુઓને ચલાવનારી તમામ મુખ્ય ટેન્ડન્સ પણ આ ઘાતકી હુમલામાં કપાઈ ગઈ હતી.

 તબીબી ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની અત્યંત જટિલ પ્રાઈમરી સર્જરી (ઓપરેશન) કરવામાં આવી હતી. તબીબોએ કલાકોની મહેનત બાદ કપાઈ ગયેલી બંને ધોરી નસો, ચેતાતંતુઓ અને સ્નાયુના ટેન્ડન્સનું સફળતાપૂર્વક રિપેરિંગ કર્યું છે. આ ગંભીર ઘાને સાંધવા માટે બાળકીની ચામડી પર લગભગ 20 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

બાળકીના પિતાના જાણાવ્યા અનુસાર, તેમની દીકરી અને હુમલો કરનાર વિદ્યાર્થીની વચ્ચે કોઈ ઝઘડો કે જૂની અદાવત નહતી તેમજ છેલ્લા એક અઠવાડિયાથી જ તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

બીજી તરફ પોલીસ પણ આ ઘટનાને લઈને એકશનમાં આવી હતી. પોલીસે વિદ્યાર્થીની સગીર હોય બાળ સુધાર ગૃહ અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નિયમો અનુસાર કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે તેમજ વિદ્યાર્થીની પાસે ચપ્પુ કબજે કરવા અને ચપ્પુ ક્યાંથી આવ્યું તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે.