Vadodara Local Polls 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગે તે પૂર્વે જ વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની રાજકીય તાકાતનો પરચો બતાવ્યો છે.
જિલ્લા ભાજપ કાર્યાલય ‘વંદે કમલમ’ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિરોધ પક્ષો મેદાન છોડી દેતા અથવા સક્ષમ ઉમેદવારોના અભાવે ભાજપે મતદાન પહેલા જ ભવ્ય વિજયનો પાયો નાખ્યો છે.
જિલ્લા પંચાયત: 4 બેઠકો પર ભગવો લહેરાયો
જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ બિનહરીફ વિજેતા બનીને વિરોધ પક્ષોને જોરદાર પછડાટ આપી છે.
Surat Civil Polls 2026: સુરત જિલ્લાની 4 નગરપાલિકાઓનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, 243 ઉમેદવારો મેદાનમાં
તાલુકા પંચાયત: 19 બેઠકો પર એકચક્રી શાસન
તાલુકા સ્તરે પણ ભાજપે પ્રચંડ દેખાવ કર્યો છે. જિલ્લાની વિવિધ 19 બેઠકો બિનહરીફ થઈ છે. કરજણ મંડળની સામરી, સાયર, સીમળી, ધાવટ, હાંડોદ અને વલણ-2 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
જ્યારે વડોદરા મંડળમાં નંદેસરી, બાજવા, ઇંટોલા અને સોખડા-1 બેઠકો પર પક્ષે કબજો જમાવ્યો છે. ડેસર મંડળની વચ્છેસર, વેજપુર, વરસડા અને કડાછલા બેઠકો પણ બિનહરીફ રહી છે.
આ ઉપરાંત વાઘોડીયાના ગુતાલ-રાજપુરા, શિનોરની 1 અને ડભોઈની લીંગસ્થળી તથા કુંઢેલા બેઠક પર ભાજપનો વિજયી રથ અવિરત રહ્યો છે. જેમાં:
- ચોરંદા (કરજણ): જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી
- રણોલી (વડોદરા): કૈરવીબા ગિરીરાજસિંહ વાઘેલા
- જરોદ (વાઘોડીયા): નવીનભાઈ ડાહ્યાભાઈ વસાવા
- ગુતાલ: વિશાલકુમાર ભીખાભાઈ વસાવા
નગરપાલિકાઓમાં દબદબો: 17 બેઠકો પર જીત
નગરપાલિકાની ચૂંટણીઓમાં કુલ 17 બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં પાદરા નગરપાલિકામાં સૌથી વધુ 11 ઉમેદવારો (વોર્ડ-2, 3, 4, 6 અને 7) બિનહરીફ થયા છે. વાઘોડીયા નગરપાલિકાના વોર્ડ-3 ની તમામ 4 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ડભોઈ અને સાવલીના વોર્ડ-3 માં પણ કેસરીયો માહોલ જોવા મળ્યો છે.
આ અંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યુ કે, આ ઐતિહાસિક સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો અને પાયાના કાર્યકરોની રાત-દિવસની મહેનતનું પરિણામ છે. આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે, આગામી દિવસોમાં વડોદરા જિલ્લાની બાકીની બેઠકો પર પણ ભાજપ ઐતિહાસિક બહુમતી સાથે વિજય મેળવશે.
