Vadodara News: વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇનની સતત ચોથા દિવસ સર્જાતી ક્રૂની અછતનો ગંભીર પ્રભાવ આજે ફરી જોવા મળ્યો છે. સ્ટાફની અછતને કારણે વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી કુલ ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે પણ બે ફ્લાઇટ રદ થઈ હતી અને બે ફ્લાઇટ મોડી પડી હતી.
મળતી માહિતી અનુસાર આજે રદ થયેલી ફ્લાઇટ્સમાં 6E-5126/6087 (મુંબઈ-વડોદરા-મુંબઈ), 6E-5066/6662 (દિલ્હી-વડોદરા-દિલ્હી), 6E-6241/6245 (પુણે-વડોદરા-પુણે) અને 6E-2178/105 (હૈદરાબાદ-વડોદરા-ગોવા)નો સમાવેશ થાય છે. અચાનક થયેલી રદ થતા મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
ઇન્ડિગોમાં ઊભી થયેલી આ સમસ્યાનું મુખ્ય કારણ એવિએશન સેક્ટરમાં લાગુ પડેલા નવા સલામતી નિયમો છે. DGCA દ્વારા 1 નવેમ્બરથી ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોના બીજા તબક્કાને અમલમાં મુકાતા પાઇલટ અને કેબિન ક્રૂની ઉપલબ્ધતા પર મોટી અસર પડી છે. નવા નિયમોમાં પાઇલટ્સ માટે દૈનિક ઉડાન સમય 8 કલાક નક્કી કર્યો છે, નાઇટ લેન્ડિંગ 6થી ઘટાડીને 2 કરી દેવામાં આવી છે, તેમજ 24 કલાકમાં ઓછામાં ઓછા 10 કલાક ફરજીયાત આરામનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.
ઇન્ડિગો દેશની સૌથી મોટી એરલાઇન છે, જેમાં 434 એરક્રાફ્ટ અને દૈનિક 2300થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન્ડિગો ચલાવે છે. હાલ કંપની પાસે 5456 પાઇલટ્સ, 10212 કેબિન ક્રૂ અને કુલ 41 હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે. પરંતુ નવા નિયમોની અસરને અનુરૂપ શિડ્યૂલિંગ સિસ્ટમ સ્થિર ન થતા ઘણા રૂટ્સ પર અચાનક ભારે ક્રૂની અછત ઉભી થઈ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુસાફરોની મુશ્કેલી ઘટાડવા માટે એર ઇન્ડિયા દ્વારા વડોદરાથી દિલ્હીની વધારાની બે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ વધારાની ફ્લાઇટ્સથી મુસાફરોને તાત્કાલિક રાહત મળવાની આશા એરપોર્ટ સત્તાવાળાઓ વ્યક્ત કરી રહ્યા છે.
