Vadodara Fire: વડોદરાના નવા બજારની હોમ ડેકોર દુકાનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન થયું

આગની ભયાનકતા એટલી હતી કે નીચેની દુકાનમાંથી શરૂ થઈને તે ઝડપથી બીજા અને ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 09 Dec 2025 10:45 AM (IST)Updated: Tue 09 Dec 2025 10:45 AM (IST)
massive-fire-breaks-out-in-home-decor-shop-in-vadodaras-nava-bazar-loss-of-lakhs-652124

Vadodara Fire News: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આ કડીમાં મધરાત્રે નવા બજાર વિસ્તારમાં આવેલી 58 નંબરની એક હોમ ડેકોર અને ફર્નિચરની બંધ દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. દુકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી.

મધરાત્રે આગ ભભુકી

મધરાત્રે આગની જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે માહિતી આપી કે સ્થળ પર પહોંચતા જ પડદા, ફર્નિશિંગ સામાન અને અન્ય હોમ ડેકોરની વસ્તુઓ ભભૂકી રહી હતી.

ગોડાઉનના માલના કારણે આગ બે માળ સુધી ફેલાઈ

આગની ભયાનકતા એટલી હતી કે નીચેની દુકાનમાંથી શરૂ થઈને તે ઝડપથી બીજા અને ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. દુકાન તેમજ ઉપરના બંને માળનો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હતો, જેમાં ફૂલ અને અન્ય સજાવટી સામાન મોટા પ્રમાણમાં ભરેલો હતો. આ જ્વલનશીલ સામાનના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનો અંદાજ છે.

આગ પર કાબુ મેળવાયો

ફાયર જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે કુલિંગ ઓપરેશન શરૂ કરીને આગને કાબૂમાં લેવા માટે લાંબી અને સઘન મહેનત કરવામાં આવી હતી. આખરે, ફાયર બ્રિગેડની ટીમે બે માળ સુધી ફેલાયેલી આ વિકરાળ આગને કાબૂમાં લઈ લીધી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની લપેટો વિકરાળ હોવા છતાં, સમયસર કામગીરી થવાથી આજુબાજુની અન્ય દુકાનોને નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું, જેનાથી આસપાસના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, દુકાન અને ઉપરના ગોડાઉનમાં ભરેલો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. શહેરમાં સતત ત્રીજા દિવસે આગ લાગવાની ઘટના સામે આવતા, તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના નિયમો અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ ફરી શરૂ કરવામાં આવી છે.