Vadodara News: વડોદરા શહેરના હરણી–વારસિયા રીંગ રોડ પર ગત રાત્રે ડોર–ટુ–ડોર કચરા કલેક્શન કરતો ટેમ્પો ચાલક નશામાં ધૂત થઈ બેફામ ઝડપે દોડ્યો હતો. કિશનવાડી પાસે રાત્રે બનેલી આ ભયાનક અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ હતી. દારૂના નશામાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ચાલકે રોડ પર ઉભેલા બે લોકોને જોરદાર ટક્કર મારી હતી. અથડામણ બાદ બંને લોકોને ફંગોળતા ટેમ્પો આગળ વધ્યો અને રસ્તાની બાજુમાં પાર્ક કરાયેલા બીજા ટેમ્પાને જોરદાર ફટકો મારતાં તે ટેમ્પો પણ દૂર સુધી ઘસડી ગયો હતો.
ટેમ્પાની કેબિનમાંથી દેશી દારૂની પોટલી પણ મળી આવી
અકસ્માત બાદ આસપાસના લોકો ટોળે વળી ગયા હતા. અને ટેમ્પા ડ્રાઈવર 29 વર્ષીય મુન્ના ભુરાભાઈ મેડાને ટેમ્પોમાંથી ઉતારીને માર મારવામાં આવ્યો હતો. લોકોએ તેની પાસે લાયસન્સ બાબતે પૂછપરછ કરતા તે દાદાગીરી ભરેલા અંદાજમાં બુમાબૂમ કરતો હતો તેમજ દારૂ “અહીંથી જ પોટલી લઈ પીધો” હોવાની કબૂલાત પણ કરતો હતો. ટેમ્પાની કેબિનમાંથી દેશી દારૂની પોટલી પણ મળી આવી હતી.
વડોદરા અકસ્માતના CCTV: દારૂ પીધેલા ડોર–ટુ–ડોર કચરા કલેક્શન ટેમ્પો ચાલકે બેને અડફેટે લીધા, અન્ય ટેમ્પોને ટક્કર મારી https://t.co/ttYkB1ycsD
— rakesh shukla (@rakeshashukla) November 19, 2025
#gujarat #gujaratnews #gujaratinews #vadodara #todaynews #breakingnews #CCTV #CCTVVideoViral pic.twitter.com/vbKrgGAF6s
ઇજાગ્રસ્ત બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ CCTV ફુટેજના આધારે અકસ્માતની ટેકનિકલ તપાસ શરૂ કરી છે. ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં દારૂ પીને વાહન હંકારવાની ઘટનાઓ વારંવાર દોહરાતી રહે છે. કેટલાક કેસોમાં નિર્દોષ લોકોના જીવો પણ ગુમાવવાની નોબત આવી છે. પોલીસે ક્યારેક ચેકિંગ વધારી પોતાની હાજરી દેખાડે છે, પરંતુ થોડા સમયમાં જ એ કાર્યવાહીઓ ઠંડા બસ્તામાં જઈને ફરી આવા બનાવો સર્જાય છે. તાજેતરની આ ઘટના શહેરમાં ટ્રાફિક સલામતી અને કાનૂની અમલવારીની અસરકારકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.
