Vadodara News: વડોદરા શહેરમાં બેદરકારીભરી વાહનચાલન અને નશાની અસર હેઠળ યુવાનો દ્વારા સર્જાતા માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. મોડી રાત્રે સમા તળાવ વિસ્તાર ખાતે બેફામ ઝડપે જતી બાઇક પાર્ક કરેલી સ્કોર્પિયો સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કર લાગતા બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઇક સવાર બન્ને યુવક ફંગોળાઈને રોડ પર પડ્યાં હતા. ગંભીર હાલતમાં બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર બન્ને યુવકો નશામાં ધૂત થઇને બાઇક લઇને જતાં હોવાની શંકા છે.
સોમા તળાવ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હોવાની જાણ થતાં ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિકો આવી પહોંચ્યા હતા. બનાવ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે બંનેમાંથી એક યુવકને માથામાં ગંભીર ઇજા થઈ છે, જેના કારણે તેની હાલત અત્યંત ગંભીર છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. બીજા યુવકને પણ હાડકાં ભાંગવા સહિતના ઘા લાગ્યા છે, પરંતુ તેની હાલત અત્યારે સ્થિર છે.
આ અકસ્માતની જાણ થતાં જ સમા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બાઇક સવાર બંને યુવકો નશાના પ્રભાવ હેઠળ હોવાનો સંદર્ભ મળ્યો છે. બાઇકની ઝડપ પણ નિયંત્રણ બહાર હતી, જેના કારણે પાર્ક કરેલી સ્કોર્પિયોમાં સીધી ઘૂસી ગઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે બાઇક જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ યુવકોના લોહીના નમૂના લઈને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ બનાવ ફરીવાર એ હકીકત ઉજાગર કરે છે કે નશાની આદત અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગનું મિશ્રણ શહેરમાં જીવલેણ સાબિત થઈ રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ પણ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે સમા તળાવ વિસ્તાર ખાતે યુવાનો દ્વારા રાત્રિના સમયે સ્ટન્ટ અને ઓવરસ્પીડની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. લોકોની સલામતી માટે કડક પોલીસ પેટ્રોલિંગ અને કાર્યવાહી વધારવાની માગ કરવામાં આવી છે. હાલ સમા પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
