વડોદરા ભાજપમાં ભડકો: વોર્ડ-5 ના હોદ્દેદારો વચ્ચે ‘જંગ’, જાનથી મારવાની ધમકી આપ્યાનો આક્ષેપ; પોલીસ ફરિયાદ નોંધાઈ

પોલીસ કોલ ડિટેલ્સ અને સાક્ષીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 15 Apr 2026 12:16 PM (IST)Updated: Wed 15 Apr 2026 12:16 PM (IST)
vadodara-bjp-fight-ward-5-akshay-suthar-karsan-rabari-police-complaint-728324
HIGHLIGHTS
  • વડોદરા ભાજપ નેતાઓ વચ્ચે 'જંગ'
  • જાનથી મારવાની ધમકીનો આક્ષેપ
  • પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

Vadodara Crime News: સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલેહ હવે સપાટી પર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 5 માં પક્ષના બે હોદ્દેદારો વચ્ચેનો વિવાદ ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

બાપોદ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

વડોદરા શહેરના વોર્ડ નંબર 5 ના ઉપપ્રમુખ અક્ષય સુથારે પક્ષના જ અન્ય અગ્રણી કરસન રબારી સામે ગંભીર આક્ષેપો સાથે બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર વિવાદની જડ આગામી ચૂંટણીના પ્રચાર કાર્યમાં રહેલી છે. હીરાબાનગર વિસ્તારમાં જ્યારે પક્ષનો પ્રચાર ચાલી રહ્યો હતો, ત્યારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

ચૂંટણી પ્રચાર દરમિયાન સર્જાયો વિવાદ

ફરિયાદી અક્ષય સુથારનો આક્ષેપ છે કે, આરોપી કરસન રબારીએ તેમને ફોન પર બિભત્સ ગાળો આપી હતી અને જાહેરમાં અપમાનિત કર્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કરસન રબારીએ અક્ષય સુથારને ફોન પર ધમકી આપતા કહ્યું કે “તું બહુ મોટો નેતા બનવા નીકળ્યો છે”. એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ અરજીમાં કરાયો છે.

પોલીસ તપાસ તેજ, પક્ષમાં ચર્ચાનો વિષય

ફરિયાદીએ કરસન રબારીને 'માથાભારે' અને 'ગુનાહિત મનોદશા' ધરાવતા વ્યક્તિ ગણાવ્યા છે, જેના કારણે હાલ તેમના પરિવારમાં પણ ફાળ પડી છે. ઘટનાની ગંભીરતાને જોતા બાપોદ પોલીસે અક્ષય સુથારની અરજી સ્વીકારી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે મોબાઈલ કોલ ડિટેલ્સ અને આસપાસના સાક્ષીઓના નિવેદન લેવાની તજવીજ કરી રહી છે.

એક તરફ ભાજપ શિસ્તબદ્ધ હોવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ બે કાર્યકરો વચ્ચેનો આ ઝઘડો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને હવે જોવાનું એ રહે છે કે સંગઠન આ મામલે કેવા પગલાં ભરે છે.