Vadodara News: વડોદરા ભાજપમાં ‘પરિવારવાદ’નો દબદબો! પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોના સંતાનોને મળી ટિકિટ

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 11 Apr 2026 04:09 PM (IST)Updated: Sat 11 Apr 2026 04:09 PM (IST)
vadodara-bjp-nepotism-ticket-allocation-gujarat-local-elections-2026-726241
HIGHLIGHTS
  • વડોદરા ભાજપમાં ચૂંટણી ટાણે પરિવારવાદ?
  • પૂર્વ પદાધિકારીઓના સંતાનોને મળી ટિકિટ 
  • 8 પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોનો સમાવેશ

Vadodara BJP Nepotism: ભારતીય જનતા પાર્ટી ભલે હંમેશા 'વ્યક્તિગત રાજનીતિ' અને 'પરિવારવાદ' વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહી હોય, પરંતુ વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટ ફાળવણીમાં સાવ અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. વડોદરા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં સ્પષ્ટપણે પરિવારવાદની ઝલક દેખાઈ છે, જેમાં પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ પૂર્વ કોર્પોરેટરોના પુત્ર, પુત્રી અને પુત્રવધૂઓ સહિત પરિવારના 8 જેટલા સભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ નેતાઓના વારસદારને મળી ટિકિટ

ભાજપે પોતાના અનેક જૂના જોગીઓના વારસદારો પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે, જેમાં મુખ્ય નામો નીચે મુજબ છે:

  • ઉપેન્દ્ર (વિષ્ણુ) પ્રજાપતિ: પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિના પુત્ર
  • હિરેન સુખડિયા: પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર
  • અર્ચના પટેલ: RSSના પૂર્વ સંઘ ચાલક નારાયણ શાહની પુત્રી
  • પવન હેમનાની: પૂર્વ કોર્પોરેટર પરસોત્તમ હેમનાનીના પુત્ર
  • કૃણાલ પટેલ: પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલના પુત્ર
  • દક્ષિતા રાય: પૂર્વ કોર્પોરેટર કંચન રાયના પુત્રવધુ
  • શ્રીરંગ આયરે: પૂર્વ કોર્પોરેટર અને પ્રભાવી નેતા રાજેશ આયરેના પુત્ર
  • નિધી પટેલ: પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન પટેલની પુત્રી

પાયાના કાર્યકરોમાં છૂપો રોષ-અસંતોષ

એક તરફ ભાજપ 'નો રિપીટ થિયરી' અને 'પરિવારવાદ મુક્તિ' ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વડોદરામાં એક જ પરિવારમાં સત્તા જાળવી રાખવાના પ્રયાસોથી વર્ષોથી પાયાનું કામ કરતા નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે નારાજગી અને છૂપો રોષ જોવા મળી રહ્યો છે. નેતાઓના સંતાનોને 'ગિફ્ટ' માં મળેલી આ ટિકિટના કારણે કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભાજપે આ વખતે જીતવા માટે સક્ષમ ઉમેદવારોના બહાને પરિવારવાદને જ પ્રાધાન્ય આપ્યું છે. આ નિર્ણયથી પક્ષમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હવે જોવાનું રહ્યું કે આ 'વંશવેલો' ભાજપને આગામી સમયમાં ભવ્ય વિજય અપાવશે કે પછી પક્ષમાં બળવાની સ્થિતિ ઉભી કરશે?