Vadodara District Panchayat Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડોદરા જિલ્લા ભાજપ માટે એક ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મતદાન થાય તે પહેલા જ વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડી દેતા ભાજપ છાવણીમાં ઉજવણીનો માહોલ છે.
કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા
શરૂઆતમાં આ રણોલી બેઠક પર ભારે રસાકસી થશે તેવી અટકળો હતી, પરંતુ અચાનક આખું રાજકીય ચિત્ર બદલાઈ ગયું હતું. કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર ગીતાબેન ઠાકોરે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં આશ્ચર્ય સર્જાયું હતું. તેમની સાથે જ અપક્ષ ઉમેદવાર પુષ્પાબેન પરમારે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. મેદાનમાં અન્ય કોઈ જ હરીફ ઉમેદવાર ન બચતા, ચૂંટણી અધિકારી દ્વારા અંતે કૈરવીબા વાઘેલાને સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ઋત્વિક પટેલની 'માસ્ટર સ્ટ્રોક' રણનીતિ
ભાજપની આ શાનદાર બિનહરીફ જીત પાછળ વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ઋત્વિક પટેલની કુશળ રણનીતિ અને 'માસ્ટર સ્ટ્રોક' મુખ્ય કારણ હોવાનું મનાય છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું ત્યારથી લઈને ફોર્મ પાછા ખેંચવાના અંતિમ સમય સુધી, ઋત્વિક પટેલે પક્ષના સંગઠનને મજબૂત રાખીને વિરોધ પક્ષોના ગણિત બગાડી નાખ્યા હતા. આ જ સફળ રણનીતિને કારણે મતદાન પહેલા જ ભાજપે પોતાનો વિજયી શંખનાદ કરી દીધો છે.
આ પણ વાંચો: Vadodara: સ્કૂલવાન ચાલક રાજેશ માછીને ભાજપે આપી ટિકિટ, ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ ફરજ નિભાવી
ઉત્સાહ સાથે કાર્યકરોનો વિજય ઉત્સવ
કૈરવીબા વાઘેલા બિનહરીફ વિજેતા બનતા જ રણોલી પંથકમાં ભાજપના કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ પરિણામ સાબિત કરે છે કે ગ્રામ્ય સ્તરે સંગઠન પર ભાજપની પકડ હજુ પણ ઘણી મજબૂત છે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે જિલ્લાની અન્ય બેઠકોના પરિણામો શું આવે છે.
