Vadodara Election 2026: વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરા કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ અને ડરનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને, વોર્ડ-11 ના કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિ ગાયબ થયા બાદ આજે સીધા જ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા.
ઉમેદવારો પર દબાણનો ગંભીર આરોપ
કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર પર અત્યંત ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જે અનુસાર, તેમના 10 થી વધુ ઉમેદવારોને ધાક-ધમકી આપીને ફોર્મ ખેંચી લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. વધુમાં, વોર્ડ નંબર 17 અને 18 ના મહિલા ઉમેદવારોએ પણ આક્ષેપ કર્યો છે કે તેમને ચૂંટણી મેદાનમાંથી હટી જવા માટે સતત માનસિક દબાણ આપવામાં આવી રહ્યું છે.

મામલતદાર કચેરીએ કોંગ્રેસનો હોબાળો
વોર્ડ નંબર 11 ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ, જેઓ છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા હતા, તેઓ આજે અચાનક જ અકોટા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે આવી પહોંચ્યા હતા. કનુભાઈ ફોર્મ ખેંચવા પહોંચ્યા હોવાની જાણ થતા જ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અકોટા મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા.

વધુમાં, "લોકશાહીના ચીરે ચીરા ઉડતા હોવાના" સૂત્રોચ્ચાર સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમે હાલ વડોદરાના રાજકારણમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો: વડોદરા ભાજપમાં ભડકો: વોર્ડ-5 ના હોદ્દેદારો વચ્ચે ‘જંગ’, જાનથી મારવાની ધમકી આપ્યાનો આક્ષેપ
બપોરે 3 વાગ્યે સ્પષ્ટ થશે રાજકીય ચિત્ર
હાલ વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોમાં એ વાતનો ફફડાટ જોવા મળી રહ્યો છે કે અંતિમ ક્ષણે કેટલા ઉમેદવારો મેદાન છોડી જશે અને રમત રમાઈ જશે. ફોર્મ ખેંચવાની સમયમર્યાદા બપોરે 3 વાગ્યે પૂર્ણ થયા બાદ જ એ સ્પષ્ટ થશે કે વડોદરાના આ ચૂંટણી જંગમાં કોંગ્રેસના કેટલા ઉમેદવારો બાકી રહ્યા છે.
