Vadodara Election 2026: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં બનેલી એક ઘટનાએ વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
શું છે સમગ્ર વિવાદ અને વાયરલ વીડિયો?
વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલમાં અમીબેન રાવત, ડૉ. નિકુલ પટેલ, સોનલ દેસાઈ અને પુષ્પાબેન વાઘેલાનો સમાવેશ થાય છે. જોકે, તાજેતરમાં કોંગ્રેસના બે મહિલા ઉમેદવારો, સોનલ દેસાઈ અને પુષ્પાબેન વાઘેલા, પક્ષના અન્ય બે ઉમેદવારોને પડતા મૂકીને બળવાખોર અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે એક જ ગાડીમાં પ્રચાર કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કોંગ્રેસ છાવણીમાં હડકંપ મચી ગયો છે. આ દ્રશ્યો જોઈને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે મતદાન પહેલા જ કોંગ્રેસની પેનલ તૂટી ગઈ છે, જેની સીધી અસર આવનારા ચૂંટણી પરિણામો અને જીત પર પડી શકે છે.
Vadodara: વડોદરા વોર્ડ-1 માં ચૂંટણી પહેલા જ કોંગ્રેસની પેનલ વિખેરાઈ? અપક્ષ ઉમેદવાર સાથે મહિલા ઉમેદવારો દેખાતા તર્ક-વિતર્કhttps://t.co/ABSafrfJcl#Vadodaranews #vadodara #Gujarat #Gujaratijagran pic.twitter.com/XmyPKD43B3
— Gujarati Jagran (@gujaratijagran) April 14, 2026
ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાનો ખુલાસો
આ વાયરલ વીડિયોના કારણે વિવાદ વકરતા કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ કોઈ રાજકીય પ્રચાર નહોતો પરંતુ તેઓ બાબાસાહેબ આંબેડકરની રેલીમાં જોડાયા હતા.
પુષ્પાબેન વાઘેલાના જણાવ્યા અનુસાર, આયોજકોએ તમામ પક્ષોને આમંત્રણ આપ્યું હતું. અમીબેન રાવત અને ડૉ. નિકુલ પટેલને પણ આમંત્રણ હતું, પરંતુ તેઓ કોઈ કારણોસર આવી શક્યા નહોતા. અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ પણ દર વર્ષની જેમ આ વર્ષે આવ્યા હોવાથી તેઓ સૌ સાથે હતા.
આ પણ વાંચો: Vadodara: ચૂંટણી ટાણે 'ગટર-પાણી' મુદ્દે જનતાનો મિજાજ ગરમ, ઠેર-ઠેર ભાજપના ઉમેદવારો સામે વિરોધ
બીજી તરફ, રેલીના આયોજકોએ પણ પુષ્ટિ કરી હતી કે તેમણે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત તમામ ઉમેદવારોને આમંત્રણ આપ્યું હતું અને જે ઉમેદવારો હાજર રહ્યા તેમને સન્માનપૂર્વક ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા.
કોંગ્રેસ માટે હજી પણ ચિંતાનો વિષય
ભલે ઉમેદવારો આને માત્ર એક સામાજિક પ્રસંગ ગણાવતા હોય, પરંતુ જે રીતે અમીબેન રાવત અને ડો. નિકુલ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસના બાકીના બે મહિલા ઉમેદવારો અપક્ષ ઉમેદવાર સાથે જોવા મળ્યા, તેનાથી મતદારોમાં અનેક સવાલો ઉભા થયા છે. શું આ ખરેખર માત્ર એક સંયોગ છે કે પછી કોઈ આંતરિક સમજૂતી થઈ છે?
