Vadodara News: વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરમાં હૃદયને એક હચમચાવી નાખતી ઘટના બની છે. આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર બનાવને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઘટનામાં સમા પોલીસ મથકે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો 35 વર્ષીય યુવક ચોથા માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો.
આ બનાવના CCTV ફુટેજમાં દેખાયા મુજબ, હિતેન્દ્ર બિલ્ડિંગના ઉપરના ભાગે દીવાલ કૂદીને લટકતો જોવા મળે છે. યુવકને લટકતો જોઈ નીચે ભેગા થયેલા લોકો બૂમાબૂમ કરતા નજરે પડે છે. આ દરમિયાન એક વ્યક્તિ આગળ આવી તેનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. અંદાજે ત્રણ મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ અચાનક હાથ છૂટી જતા હિતેન્દ્ર ધડાકાભેર જમીન પર ખાબકે છે. ઘટનાસ્થળે હાજર લોકોમાં અફરાતફરી મચી જાય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સંકેત આપવામાં આવ્યો છે કે, હિતેન્દ્ર સંભવિત રીતે ચોરીના ઈરાદે બિલ્ડિંગમાં પ્રવેશ્યો હોઈ શકે. અંદરના અવાજો અને હલચલથી ગભરાઈ તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન ઉપરથી કૂદ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાના તરત બાદ તેને એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
આ પણ વાંચો
આ પણ વાંચો: વડોદરામાં ‘ડિજિટલ અરેસ્ટ’: 5 દિવસ ત્રાસ આપી 16 લાખની માંગણી, પોલીસની સતર્કતાએ ફ્રોડ થતાં અટકાવ્યું
જોકે, મૃતકના ભાઈ અજીતસિંહ પરમારે પોલીસની થિયરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, હિતેન્દ્ર કોન્ટ્રાક્ટર પાસેથી બાકી રહેલા કામના રૂપિયા લેવા માટે ત્યાં ગયો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સીસીટીવીમાં એક બાઉન્સર હિતેન્દ્રનો હાથ પકડી રાખતો જોવા મળે છે, પરંતુ પછી હાથ છોડાતા તે નીચે પટકાયો હતો.
મૃતકનો પરિવાર નિષ્પક્ષ અને ઉંડાણપૂર્વકની તપાસની માંગ સાથે આગળ આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારીને લઈને ચર્ચા જગાવી છે.
