Vadodara: કમાટીબાગ રોડ સ્ટંટબાજી ભારે પડી! યુવકે પહેલા કર્યા સીનસપાટા, પછી પોલીસ સામે માંગી માફી

જાહેરમાં સ્ટંટ કરનાર યુવકની સયાજીગંજ પોલીસે અટકાયત કરી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 14 Apr 2026 10:32 AM (IST)Updated: Tue 14 Apr 2026 10:32 AM (IST)
vadodara-kamati-baug-road-bike-stunt-youth-arrested-sayajiganj-police-727651
HIGHLIGHTS
  • કમાટીબાગ રોડ પર યુવકની સ્ટંટબાજી
  • સયાજીગંજ પોલીસ દ્વારા યુવકની અટક
  • યુવકે ભૂલ સ્વીકારી, કાન પકડી માંગી માફી

Vadodara Crime News: સંસ્કારી નગરી વડોદરાના રસ્તા પર પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરતા યુવાનો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વ્યસ્ત ગણાતા કમાટીબાગ રોડ પર બાઈકનું આગળનું વ્હીલ ઊંચું કરી (વ્હીલી) ભયજનક સ્ટંટ કરનાર યુવકની સયાજીગંજ પોલીસે અટકાયત કરી છે.

જાહેરમાં કર્યા જોખમી સ્ટંટ

ગત 12 એપ્રિલના રોજ વડોદરાના કમાટીબાગ રોડ પર એક યુવક મોટરસાયકલ પર અત્યંત જોખમી રીતે સ્ટંટ કરી રહ્યો હતો. ટ્રાફિકથી ભરચક રહેતા આ માર્ગ પર યુવકે પુરપાટ ઝડપે બાઈક દોડાવ્યું હતું, અને આગળનું વ્હીલ હવામાં ઊંચું કરી દીધું હતું. આ ડરામણા દ્રશ્યોને કારણે રસ્તે ચાલતા રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા.

વાયરલ વીડિયોથી ભાંડો ફૂટ્યો

જોકે, કોઈ નાગરીકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતાં મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. વાયરલ વીડિયોની ગંભીરતા સમજીને સયાજીગંજ પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયો ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

અંતે, સ્ટંટબાજ યુવકે માંગી માફી

પોલીસ તપાસમાં આ જોખમી સ્ટંટ કરનાર યુવક નિખિલ મણિલાલ જાદવ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નિખિલની અટકાયત કરી તેનું વાહન કબજે કર્યું હતું. પોલીસ સ્ટેશન પહોંચતા જ યુવકનો બધો નશો ઉતરી ગયો હતો, અને તેણે જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી.

વધુમાં, યુવકે પોતાની ભૂલનો સ્વીકાર કરતા જાહેરમાં કાન પકડીને કહ્યું હતું કે, "ઉતાવળમાં મારાથી આ ભૂલ થઈ ગઈ છે. મેં લોકોના જીવ જોખમમાં મૂક્યા તે બદલ હું દિલગીર છું". આ ઉપરાંત, ભવિષ્યમાં ક્યારેય આવા જોખમી સ્ટંટ નહીં કરે તેવી તેણે પોલીસ અને જનતા સમક્ષ ખાતરી આપી હતી.

જનતાને પોલીસની કડક ચેતવણી

આ ઘટના દ્વારા સયાજીગંજ પોલીસે શહેરના અન્ય યુવાધનને પણ સ્પષ્ટ અને કડક ચેતવણી આપી છે કે, જાહેર માર્ગો સ્ટંટ કરવા માટે નથી. રસ્તા પર જોખમી રીતે વાહન હંકારીને અન્ય નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનારા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.