વડોદરા કોર્પોરેશનની ચૂંટણી 2026નું કાઉન્ટડાઉન: 19 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી જાહેર, 2.38 લાખ નામો કપાયા

વડોદરાના 19 વોર્ડમાં કુલ 12,08,021 મતદારો નોંધાયા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સીમાંકન અને સુધારણા બાદ મતદાન મથકોની સંખ્યામાં પણ મોટો ફેરફાર થયો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Mar 2026 04:11 PM (IST)Updated: Tue 24 Mar 2026 04:11 PM (IST)
vadodara-news-voter-list-of-19-wards-released-before-muncipial-corporation-election-714504

Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા શહેરના તમામ 19 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી યાદીમાં મોટા પાયે ફેરફારો જોવા મળ્યા છે, જેના કારણે રાજકીય પક્ષો અને મતદારોમાં ચર્ચા જાગી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પ્રાથમિક મતદાર યાદીમાંથી અંદાજે 2.38 લાખ જેટલા નામો કાઢી નાખવામાં આવ્યા છે.

19 વોર્ડમાં કુલ 12,08,021 મતદારો નોંધાયા

નવી જાહેર કરાયેલી યાદી મુજબ વડોદરાના 19 વોર્ડમાં કુલ 12,08,021 મતદારો નોંધાયા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સીમાંકન અને સુધારણા બાદ મતદાન મથકોની સંખ્યામાં પણ મોટો ફેરફાર થયો છે. અગાઉની સરખામણીએ આ વખતે 164 બુથનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે કુલ 1131 મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વેરિફિકેશન પ્રક્રિયા બાદ 2.38 લાખ નામો દૂર થયા

ચૂંટણી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વેરિફિકેશન પ્રક્રિયા બાદ 2.38 લાખ નામો યાદીમાંથી દૂર થયા છે. આ નામોમાં મુખ્યત્વે રહેઠાણ બદલ્યું હોય તેવા મતદારો, અવસાન પામેલા વ્યક્તિઓ, ડુપ્લિકેટ એન્ટ્રી ધરાવતા નામોનો સમાવેશ થાય છે. જોકે, આટલી મોટી સંખ્યામાં નામો કપાવાને કારણે અનેક મતદારો મતાધિકારથી વંચિત રહી જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

નામ ઉમેરવા અથવા સુધારવા ચૂંટણી શાખાનો સંપર્ક કરી શકાશે

તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે મતદારોના નામ વિધાનસભાની મતદાર યાદીમાં હોય પરંતુ કોર્પોરેશનની આ નવી જાહેર થયેલી યાદીમાં ન જોવા મળે, તેવા મતદારો હજુ પણ અરજી કરી શકશે. મતદારો પોતાની વિગતો ચકાસીને નિર્ધારિત સમય મર્યાદામાં નામ ઉમેરવા અથવા સુધારવા માટે સંબંધિત વોર્ડ કચેરી કે ચૂંટણી શાખાનો સંપર્ક કરી શકશે.

મતદારોની સંખ્યામાં થયેલો આ ઘટાડો અને બુથની સંખ્યામાં થયેલી કપાત આગામી ચૂંટણીમાં ઉમેદવારોના પ્રચાર અને જીતના સમીકરણો પર મોટી અસર પાડી શકે તેમ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓ ખાલી થઈ છે અથવા નવા સીમાંકન આવ્યા છે ત્યાં મતદારોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.