Vadodara: ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર સામે વકીલોની હડતાળ યથાવત, 'ઘંટનાદ' બાદ આજે 'પરિપત્રની હોળી' કરી વિરોધ

વકીલ મંડળે ચીમકી આપી કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 07 Aug 2026 03:51 PM (IST)Updated: Fri, 07 Aug 2026 03:51 PM (IST)
vadodara-lawyers-strike-over-gujarat-high-court-circular-protest-impact-on-proceeding
Vadodara Lawyers Strike

Vadodara Lawyers Strike: ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાળ અને આંદોલન હાલ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વકીલો વિવિધ ન્યાયી માંગણીઓને લઈને મક્કમ છે અને અદાલતી કામગીરીથી અળગા રહ્યા, જેના પરિણામે વડોદરાની અદાલતોમાં ન્યાયિક કામકાજ પર મોટી અસર જોવા મળી રહી છે.

અનોખું વિરોધ પ્રદર્શન: ઘંટનાદ અને સૂત્રોચ્ચાર

આ આંદોલનને વધુ વેગવંતુ બનાવવા અને તંત્રનું ધ્યાન દોરવા માટે વકીલોએ એક અનોખો માર્ગ અપનાવ્યો હતો. ગઈકાલે મોટી સંખ્યામાં વકીલો કોર્ટ પરિસરમાં એકત્ર થયા હતા અને 'ઘંટનાદ' કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન વકીલોએ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને વકીલ મંડળને મજબૂત સાથ-સહકાર આપ્યો હતો.

આજે 'પરિપત્રની હોળી', વિરોધ યથાવત રહેશે

વડોદરા વકીલ મંડળ દ્વારા હડતાળને મળી રહેલા પ્રતિસાદ બદલ તમામ વકીલોનો આભાર માનવામાં આવ્યો અને જ્યાં સુધી હડતાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. આંદોલનના ભાગરૂપે આજે વડોદરા વકીલ મંડળે 'પરિપત્રની હોળી' કરવાનો આક્રમક કાર્યક્રમ યોજ્યો છે. વકીલ મંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

વડોદરામાં કોર્ટની કામગીરી પર માઠી અસર 

વકીલોની હડતાળ અને 'પરિપત્રની હોળી' જેવા આક્રોશિત કાર્યક્રમોને કારણે આજે પણ વડોદરાની અદાલતોમાં હડતાળ યથાવત રહેશે. આ સ્થિતિને કારણે કોર્ટની દૈનિક કામગીરી પર ભારે અસર થવાની સંભાવના છે. વકીલ મંડળે તમામ સભ્યોને આજના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા દર્શાવવા અને હડતાળને સફળ બનાવવા હાકલ કરી છે.