Vadodara Crime News: અત્યાર સુધી તમે વાહનોના સ્પેરપાર્ટ્સ કે એસેસરીઝની ચોરીના કિસ્સાઓ અંગે સાંભળ્યું હશે, પરંતુ વડોદરામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેણે વાહન માલિકો અને પોલીસને પણ ચોંકાવી દીધા છે. સેલ્ફ-ડ્રાઈવ માટે ભાડે આપેલી થાર કારમાંથી ગઠિયાઓએ આખેઆખું નવું એન્જિન જ કાઢી લીધું અને તેની જગ્યાએ જૂનું એન્જિન ફીટ કરી દીધું હતું.
સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે આપવાની ઘટના
મળતી માહિતી મુજબ, વડોદરામાં સેલ્ફ-ડ્રાઈવ કારનો વ્યવસાય કરતા આકાશ ભગત નામના યુવકે પોતાની થાર કાર એક મિત્ર મારફતે ક્રિષ્ના પાંડે નામના શખ્સને ગત 14 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન રૂ. 4,000ના દૈનિક ભાડા પર આપી હતી. 17 જુલાઈએ જ્યારે કાર પરત આવી ત્યારે તેની હાલત બદલાઈ ગઈ હતી.
આ કાર ચલાવતી વખતે તેમાંથી વિચિત્ર અવાજ આવતો હતો અને તેની સ્પીડ 40 કિમીથી વધતી નહોતી. ભાડે રાખનાર શખ્સે આ બાબતે 'યુરિયા પ્રોબ્લેમ' હોવાનું બહાનું બતાવ્યું હતું. જોકે, કાર માલિક આકાશ ભગતે શંકાના આધારે તપાસ કરાવતા સત્ય જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
તપાસમાં બહાર આવ્યું ચોંકાવનારું સત્ય
કાર માલિક આકાશ ભગતની નવી નક્કોર કારનું એન્જિન બદલીને તેમાં અન્ય કોઈ જૂની થારનું ખરાબ એન્જિન નાખી દેવામાં આવ્યું હતું. જ્યારે RC બુક સાથે એન્જિન નંબરની સરખામણી કરવામાં આવી, ત્યારે નંબર મેચ થયા નહોતા.
વધુ તપાસમાં ખુલ્યું હતું કે, સન્નીસિંઘ નામના શખ્સે એક ગેરેજ સંચાલકને રૂ. 15,000ની લાલચ આપીને પોતાની જૂની કારના એન્જિન સાથે આ નવી કારનું એન્જિન બદલાવી લીધું હતું. ફરિયાદીએ વ્યથા ઠાલવતા કહ્યું કે, આ કૃત્ય શરીરમાંથી હૃદય કાઢી લેવા સમાન છે. હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
માલિકો માટે બોધપાઠ, નિષ્ણાતોની ચેતવણી
RTO નિયમો અનુસાર, મંજૂરી વગર વાહનનું એન્જિન બદલવું એ ગંભીર ગુનો છે. આનાથી વાહનની મૂળ ઓળખ બદલાઈ જાય છે, જેના કારણે ભવિષ્યમાં વીમા ક્લેમ (Insurance Claim) મેળવવામાં પણ મોટી સમસ્યા ઉભી થઈ શકે છે.
આ ઘટના બાદ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, જે લોકો પોતાની કાર ભાડે આપે છે તેમણે માત્ર GPS પર નિર્ભર રહેવાને બદલે 'ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક ટ્રેકિંગ' (OBD) જેવી આધુનિક સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ. આ ટેક્નોલોજીની મદદથી જો વાહનના કોઈ પણ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવે, તો માલિકને ત્વરિત જાણકારી મળી શકે છે.
