UpdatedIST

Vadodara: બંસલ મોલ સામે MGVCLની ગાડી દીવાલ તોડી ઘરમાં ઘૂસી; ચાર કર્મચારીઓ ફરાર, મોટી જાનહાની ટળી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ગાડીમાં MGVCLના ચાર કર્મચારીઓ સવાર હતા. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 21 Feb 2026 11:31 AM (IST)Updated: Sat 21 Feb 2026 11:32 AM (IST)
vadodara-mgvcl-vehicle-breaks-through-wall-and-enters-house-employees-escape-696091
HIGHLIGHTS
  • વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં અકસ્માત
  • બંસલ મોલ સામે MGVCLની ગાડીનો અકસ્માત 
  • રહેણાંક મકાનના કંપાઉન્ડમાં ઘૂસી સરકારી ગાડી

Vadodara MGVCL car accident: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જાયો હતો. બંસલ મોલ સામે મુખ્ય માર્ગ પર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની (MGVCL) સરકારી ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું જ સામે આવેલા રહેણાંક મકાનના કંપાઉન્ડમાં ઘૂસી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની (MGVCL) સરકારી ગાડી પૂરઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે બંસલ મોલ પાસે અચાનક કાર ચાલકનું સ્ટિયરિંગ પરથી નિયંત્રણ છૂટી ગયું હતું. ગાડીની ઝડપ એટલી વધુ હતી કે તે રોડ વચ્ચે આવેલા ડિવાઈડર પરથી ઉછળી ગઈ અને ધડાકાભેર મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી. આ બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે.

ટક્કર એટલી જોરદાર હતી કે મકાનની દીવાલનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને ગાડી અંદર સુધી ઘુસી ગઈ હતી. અકસ્માતના અવાજથી આસપાસના રહીશો ગભરાઈ બહાર દોડી આવ્યા હતા. સ્થળ પર ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. હવે સરકારી વાહન દ્વારા થયેલા આ નુકસાન અને ફરજ દરમિયાન થયેલ લાપરવાહી બદલ શું કાર્યવાહી કરવામાં આવશે. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ગાડીમાં MGVCLના ચાર કર્મચારીઓ સવાર હતા. અકસ્માત બનતાં જ ચારેય કર્મચારીઓ ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનાએ વધુ શંકા અને રોષ જગાવ્યો છે. વિસ્તારના રહીશો દોષિતો સામે કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત સરકારી વાહનનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વધુ ઝડપ અને બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.