Vadodara: રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ વડોદરા મનપાનું એક્શન, એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર સામે કડક કાર્યવાહી શરુ

રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ વડોદરા મનપાએ એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ચાર વિશેષ ટીમો દ્વારા શહેરભરમાં ચેકિંગ હાથ ધરાશે અને નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 01:03 PM (IST)Updated: Thu, 06 Aug 2026 01:03 PM (IST)
vadodara-municipal-corporation-bans-analog-paneer-cheese-butter-sale-after-gujarat-government-order

Vadodara News: નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે બજારમાં વ્યાપક પ્રમાણમાં વેચાતા ડુપ્લિકેટ અથવા સબસ્ટિટ્યુટ ગણાતા એનાલોગ પનીર, ચીઝ અને બટર ના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ સરકારી આદેશ બાદ વડોદરા મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને શહેરમાં કડક ચેકિંગની શરૂઆત કરી દેવામાં આવી છે.

આરોગ્ય વિભાગની હાઈ-લેવલ બેઠક 

રાજ્ય સરકારના આદેશના પગલે વડોદરા મનપાના આરોગ્ય અમલદાર ડૉ. મુકેશ વૈદ્ય દ્વારા ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓની એક તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેરીજનોના આરોગ્યની રક્ષા માટે ફૂડ સેફ્ટી સ્ટાફને કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરને ચાર ઝોનમાં વિભાજિત કરીને કુલ 4 ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને શહેરના તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને એનાલોગ પ્રોડક્ટ્સના વેચાણ પર રોક લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મેન્યુફેક્ચરર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને મોલ્સ પર રહેશે વિશેષ નજર

આરોગ્ય વિભાગની આ ચારેય ટીમો દ્વારા શહેરના મુખ્ય ડેરી ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, કોલ્ડ સ્ટોરેજ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ફરસાણની દુકાનો તેમજ મોટા મોલ્સ અને સુપરમાર્કેટ્સમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને બહારના રાજ્યોમાંથી કે રાજ્યના અન્ય શહેરોમાંથી વડોદરામાં આવતા શંકાસ્પદ એનાલોગ પનીર અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના જથ્થાને ટાર્ગેટ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈપણ જગ્યાએ પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝ કે બટરનો જથ્થો મળી આવશે, તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે અને નમૂનાઓ લેબમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવશે.

એનાલોગ પ્રોડક્ટ્સ સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે?

ઉલ્લેખનીય છે કે, એનાલોગ પનીર, ચીઝ અને બટર એ અસલી દૂધ કે માખણમાંથી બનાવવામાં આવતા નથી. તેમા પામ ઓઈલ અથવા કોકોનટ ઓઈલ, સ્ટાર્ચ, દૂધનું પ્રોટીન પાવડર અને વિવિધ કેમિકલ ફ્લેવર્સ કે રંગોનો ઉપયોગ કરીને અસલી જેવા દેખાતા ડેરી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની ચીજવસ્તુઓનું સેવન કરવાથી માનવ શરીરના હૃદય, પાચન શક્તિ અને કોલેસ્ટ્રોલ પર ભારે વિપરિત અસરો પડી શકે છે. તહેવારો અને લગ્નસરાની મોસમ નજીક હોવાથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે વડોદરા મનપાની આ ઝુંબેશ અત્યંત આવશ્યક સાબિત થઈ રહી છે.

આરોગ્ય વિભાગે શહેરના તમામ વેપારીઓને પણ અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારના એનાલોગ કે સબસ્ટિટ્યુટ ઉત્પાદ્રોનું વેચાણ કરવાનું તુરંત જ બંધ કરે, અન્યથા પાલિકા દ્વારા કાયદાકીય કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે.