Vadodara: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઈટ્સ એપાર્ટમેન્ટમાં મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં રમતા રમતા 9મા માળેથી નીચે પટકાઈ જવાથી માત્ર બે વર્ષના માસૂમનું મોત નીપજ્યું છે.
ગોત્રી શિવાલય હાઈટ્સના 'એ' ટાવરના 9મા માળે મૌર્ય પરિવાર રહે છે. આજે સાંજના સમયે પરિવારનો લાડકવાયો બે વર્ષનો અંશ ઘરની આસપાસ રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક તે ઘરની બહાર આવેલી સીડીઓ વચ્ચેના ખુલ્લા ભાગ તરફ પહોંચી ગયો હતો. જ્યાં રમતા રમતા અંશે અચાનક સંતુલન ગુમાવી દેતા તે 9મા માળેથી સીધો જ નીચે જમીન પર પટકાયો હતો.
બાળક નીચે પટકાવાનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા માસૂમ અંશને જોઈને પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા હતા. ગંભીર ઈજાઓ પામેલા બાળકને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીક આવેલી ગોત્રી જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસીને અંશને મૃત જાહેર કર્યો હતો. એકના એક વ્હાલસોયા પુત્રના અચાનક આકસ્મિક મૃત્યુથી માતા-પિતા અને સ્વજનોની આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.
આ ઘટનાની જાણ થતા જ ગોત્રી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. ગોત્રી પોલીસ મથકના પી.આઈ. એચ.બી. ચાવડાએ આ દુર્ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બાળક ઘરની બહાર સીડી વચ્ચેના ખુલ્લા ભાગમાંથી નીચે પડ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ દુર્ઘટનાએ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેતા વાલીઓ માટે એક મોટી ચેતવણી આપી છે. ઊંચા મકાનો કે એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારોએ નાના બાળકોની સુરક્ષા માટે ગેલેરી, સીડીઓ અને ખુલ્લી બારીઓ કે બાલ્કનીમાં જાળી લગાવવી અત્યંત આવશ્યક છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ નિર્દોષ બાળકી કે બાળકના જીવ ન જોખમાય. એક નાની બેદરકારી કેવી મોટી હોનારત સર્જી શકે છે, તેનું આ જીવંત અને પીડાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
