વડોદરામાં રાજકીય ડ્રામાઃ વોર્ડ નં.2ના કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું, રોષે ભરાયેલા કાર્યકરોની મામલતદાર કચેરીમાં તોડફોડ

ભૂમિબેન ફોર્મ પરત ખેંચવા આવ્યા હોવાની જાણ થતાં ઉમટી પડેલા કોંગ્રેસ કાર્યકરોએ ઉમેદવારના હાથમાંથી ફોર્મ છીનવીને ફાડી નાંખ્યું હતુ. તેમજ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યાં હતા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 15 Apr 2026 04:17 PM (IST)Updated: Wed 15 Apr 2026 04:17 PM (IST)
vadodara-news-congress-candidate-bhumi-prajapati-withdraws-nomination-amid-chaos-728502
HIGHLIGHTS
  • મેં સમાજની લાગણીને માન આપીને ફોર્મ પરત ખેંચ્યું, મારા ઉપર કોઈનું દબાણ નથી: ભૂમિ પ્રજાપતિ

Vadodara: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે આજે સમા મામલતદાર કચેરી ખાતે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિએ અચાનક ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા, જેના પરિણામે પોલીસ અને કાર્યકરો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું.

લિફ્ટમાં ફસાયા ઉમેદવાર અને પોલીસ

ભૂમિબેન પ્રજાપતિ જ્યારે ફોર્મ પરત ખેંચવા કચેરી પહોંચ્યા, ત્યારે અચાનક વીજ પુરવઠો ખોરવાતા તેઓ પોલીસ કર્મચારીઓ સાથે લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ ટેકનિકલ ખામીને કારણે કચેરીમાં થોડો સમય ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.

કાર્યકરોનો આક્રોશ અને તોડફોડ

પોતાના જ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવ્યા હોવાની જાણ થતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા કાર્યકરોએ ઉમેદવારના હાથમાંથી ફોર્મ છીનવીને ફાડી નાખ્યું હતું. આટલેથી ન અટકતા, મામલતદાર કચેરીની લોખંડની જાળી તોડી નાખી હતી અને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

'સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યું છે' : ભૂમિબેન પ્રજાપતિ

તમામ હોબાળા અને અટકળો વચ્ચે ભૂમિબેન પ્રજાપતિએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મેં મારા અંગત કારણોસર અને સમાજની લાગણીને માન આપીને આ નિર્ણય લીધો છે. મારા પર કોઈ પક્ષનું દબાણ નથી કે મને કોઈ લોભ-લાલચ આપવામાં આવી નથી. મેં મારી મરજીથી જ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે."

કાયદાકીય કાર્યવાહીની શક્યતા

કચેરીમાં થયેલી ધમાલ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ હવે કડક વલણ અપનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મામલતદાર કચેરીમાં તોડફોડ કરવા બદલ કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વોર્ડ નંબર 2નું રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, જે આગામી સમયમાં કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.