Vadodara: વડોદરા શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવવાની બેજવાબદાર ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે જ નશામાં ધૂત એક કારચાલકે બેફામ ગાડી ચલાવીને ભારે અફરાતફરી મચાવી હતી. અંદાજે બે થી ત્રણ કિલોમીટર સુધી અનિયંત્રિત રીતે કાર દોડાવીને અને રસ્તામાં અનેક વાહનો તેમજ લોકોને અડફેટે લીધા બાદ આખરે તે મકરપુરા પોલીસ સ્ટેશન સામે જઈને ઠોકાઈ હતી.
અકસ્માત સર્જાતા પહેલા સુસેન ચાર રસ્તા વિસ્તારમાં પણ આ જ કાર અન્ય વાહનો અને લોકોને અડફેટે લઈને ટકરાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યાંથી જ કારચાલકે વાહન પૂરઝડપે ભગાડ્યું હતું. રસ્તામાં હાજર લોકોએ તેને રોકવાના અનેક વાર પ્રયાસો કર્યા હતા, પરંતુ બેફામ બનેલા કારચાલકે કોઈની પણ પરવા કર્યા વગર ગાડી પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી. છેવટે મકરપુરા પોલીસ સ્ટેશનની બિલકુલ સામેના ભાગમાં આ એર્ટિગા કાર બેકાબૂ બનીને રોડની સાઈડમાં આવેલી લોખંડની જાળીમાં ઘૂસી ગઈ હતી અને ભીષણ અકસ્માત સર્જ્યો હતો.
આ ભયાનક અકસ્માતમાં નશેડી કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે પોલીસ દ્વારા આ અંગેની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે. અકસ્માતના આ બનાવને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
શહેરમાં અવારનવાર બનતી આવી ઘટનાઓ અને બેફામ ડ્રાઇવિંગના કારણે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. નશાની હાલતમાં વાહનના સ્ટિયરિંગ પર બેસનારા આવા બેજવાબદાર તત્વો સામે કડક માં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.
વડોદરા પોલીસ દ્વારા અકસ્માતના આ સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરભરમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના ભંગ વચ્ચે, હવે પોલીસ આવા ગુનેગારો સામે કેવું અને કેટલું કડક વલણ અપનાવે છે તેના પર સમગ્ર શહેરની નજર ટકેલી છે. લોકો આશા રાખી રહ્યા છે કે પોલીસ તંત્ર દ્વારા કાયદાનો સકંજો કસીને આવા બેફામ ચાલકો સામે દાખલારૂપ પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા જોખમી બનાવોનું પુનરાવર્તન ન થાય.
