Vadodara: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેની અસર રૂપે શરદી, ખાંસી, કફ જેવી સમસ્યાઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્યનું રક્ષણ રાખવા માટે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અનુપ ચંદાનીએ નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહો આપી છે.
ડૉ. અનુપ ચંદાનીએ જણાવ્યું કે, હાલ શિયાળામાં ઠંડીનું જોર વધી રહ્યું છે. જેના કારણે કોમન કોલ્ડના કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વાતાવરણમાં ઝડપથી થતાં પરિવર્તનો શરીર પર અસર કરે છે, જેના કારણે ગળાની ચકમકી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ વધુ ઉભી થઈ રહી છે. આ સમયે દરેક નાગરિકે જવાબદાર બનતાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવી જરૂરી છે.
રાતે ઊંઘતી વખતે ઘણા લોકો મોઢેથી શ્વાસ લેતા હોય છે, જેના કારણે ગળું સૂકાઈ જાય છે અને સવારે ગળામાં પીડા, કફ અથવા ખરાશ જેવી તકલીફો વધે છે. આથી ઊંઘવાની પોઝિશન યોગ્ય રાખવી, રૂમમાં યોગ્ય ભેજ જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા અને રાત્રે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.
તેમણે નાગરિકોને ઠંડું પાણી પીવાનું ટાળવા સલાહ આપતા જણાવ્યું કે, આ ઋતુમાં સામાન્ય ગરમ પાણી અથવા નવસેકુ પાણી પીવું આરોગ્ય માટે વધુ અનુકૂળ છે.
ખાસ કરીને સિનિયર સિટિઝન, દમ, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી સમસ્યાઓ ધરાવતા લોકો માટે વધુ સાવચેતી રાખવી જરૂરી છે. ઉંમરદાર લોકો ગરમ વસ્ત્રો, ટોપી, મફલર અને સોક્સનો નિયમિત ઉપયોગ કરે તો ઠંડીનાં પ્રભાવથી બચી શકાય છે.
વધુમાં ડૉ. ચંદાનીએ આમળા, લીલી હળદર, આદુ, વસુંડી જેવી પ્રાકૃતિક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપી, જે રોગપ્રતિકાર શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. તેમણે નાગરિકોને અનુરોધ કર્યો કે કોઈપણ લક્ષણો ગંભીર બને અથવા લાંબા સમય સુધી રહે તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ, જેથી રોગ વધુ વકરે નહીં.
ગોરવા સ્થિત એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરીમાં ફૂડ વિભાગના દરોડા
વડોદરાના ગોરવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એકયુંટેસ્ટ રિસર્ચ લેબોરેટરીમાં મહાનગર પાલિકાની ખોરાક શાખાએ અચાનક દોડી જઈ તપાસ હાથ ધરી હતી. માનવ પર દવાઓના રિસર્ચનું કાર્ય કરતી આ લેબોરેટરીમાં રિસર્ચ માટે આવતા સ્વયંસેવકોને નીચી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવે છે તેવી લખિત ફરિયાદ વિભાગને મળી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈ ખોરાક શાખાની ટીમ સ્થળ પર પહોંચી અને ત્યાં સપ્લાય થતી ખાદ્ય સામગ્રી તથા રસોઈગૃહની વ્યવસ્થાની વિગતવાર ચકાસણી કરી.
આ દરમિયાન ટીમે શંકાસ્પદ સામગ્રીના કુલ પાંચ નમૂનાઓ સીલ કરી લેબમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ નમૂનાઓનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) મુજબ પરીક્ષણ કરવામાં આવશે. નમૂના રિપોર્ટના આધારે કંપની સામે જરૂરી કાર્યવાહી નક્કી થશે.
