Vadodara: વડોદરા શહેરના રાત્રિ બજાર સર્કલ પાસે આજે સાંજના સમયે ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મીની બસના ડ્રાઈવરે એક્ટિવાને ઠોકર મારતા દંપતી નીચે પટકાયું હતુ. જે પૈકી પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના VIP રોડ પર રહેતા શકુંતલાબેન (66) પોતાના પતિ હીરાલાલ સાથે એક્ટિવા પર રાત્રિ બજાર સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન માંતેલા સાંઢની માફક ધસી આવેલી મીની બસે દંપતીના એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે એક્ટિવા પર સવાર દંપતી નીચે પટકાયું હતુ. જેમાં બસનું ટાયર શકુંતલાબેનના પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે તેમના પતિ ઈજાગ્રસ્ત થતાં તેઓને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા વળી જતાં ટ્રાફિક જામ તઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી હરણી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જ્યારે હાલ પોલીસે ફરાર થયેલા મીની બસના ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીથી વાહન હંકારી મોત નીપજાવવાનો ગુનો નોંધીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
