Vadodara: ઉનાળુ વેકેશનના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય, મુંબઈ-ઈન્દોર વચ્ચે AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે

29 જૂન સુધી દોડનારી આ સ્પેશિયલ ટ્રેન ગુજરાતના વાપી, સુરત, વડોદરા, દાહોદ જેવા સ્ટેશનો પર થોભશે. મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા શ્રમિકો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને રાહત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 04 May 2026 11:30 PM (IST)Updated: Mon, 04 May 2026 11:30 PM (IST)
vadodara-news-western-railway-announces-ac-superfast-special-train-between-mumbai-and-indore
HIGHLIGHTS
  • સ્પેશિયલ ટ્રેન બન્ને દિશામાં 17-17 ફેરા કરશે

Vadodara: ઉનાળુ વેકેશનના પ્રારંભની સાથે જ રેલવેમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને ઈન્દોર વચ્ચે ખાસ ભાડા સાથે AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ટ્રેનને દાહોદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવતા સ્થાનિક મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે.

બંને દિશામાં 17-17 ફેરા કરશે

રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, આ વિશેષ ટ્રેન બંને દિશામાં કુલ 17-17 ફેરા કરશે. આ ટ્રેન આગામી 29 જૂન સુધી કાર્યરત રહેશે, જેનાથી વેકેશન દરમિયાન વતન જતા અથવા પ્રવાસે જતા હજારો મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે.

ટ્રેનનું સમયપત્રક અને રૂટ

ટ્રેન નંબર 09079 (મુંબઈ સેન્ટ્રલ થી ઈન્દોર): આ ટ્રેન દર મંગળવાર અને રવિવારના રોજ રાત્રે 11:20 વાગ્યે મુંબઈથી રવાના થશે. જે બીજા દિવસે સવારે 07:10 કલાકે દાહોદ પહોંચશે અને 2 મિનિટના વિરામ બાદ ઈન્દોર જવા રવાના થશે.

⁠ટ્રેન નંબર 09080 (ઈન્દોર થી મુંબઈ સેન્ટ્રલ): પરત ફરતી વેળાએ આ ટ્રેન દર સોમવાર અને બુધવારના રોજ સાંજે 05:00 વાગ્યે ઈન્દોરથી ઉપડશે. જે રાત્રે 09:55 કલાકે દાહોદ સ્ટેશન પર પહોંચશે અને મુંબઈ તરફ પ્રસ્થાન કરશે.

મુખ્ય સ્ટોપેજ અને કોચની વ્યવસ્થા

આ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન મુસાફરોની સુવિધા માટે વાપી, સુરત, વડોદરા, દાહોદ, રતલામ અને ઉજ્જૈન જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. હાલના આયોજન મુજબ આ ટ્રેનમાં માત્ર 3 કોચ રાખવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે એસી કેટેગરીના હશે.

લાંબા સમયથી મુસાફરો દ્વારા વધારાની ટ્રેનની માંગ કરવામાં આવતી હતી, ત્યારે આ સ્પેશિયલ ટ્રેન શરૂ થવાથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા શ્રમિકો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા ટિકિટ બારી પરથી આ ટ્રેનનું બુકિંગ કરાવી શકશે.