Dabhoi Wadhwana Lake: ડભોઈ તાલુકાના પ્રખ્યાત વઢવાણા તળાવ ખાતે શિયાળાની શરૂઆત સાથે જ દેશ-વિદેશના યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થયું છે. ડભોઈના વઢવાણા ગામ નજીક આવેલું આ તળાવ પક્ષી અભયારણ્ય તથા રામસર સાઈટ તરીકે જાણીતા હોવાની સાથે ગુજરાતમાં નળ સરોવર પછીનું મહત્વનું યાયાવર પક્ષી સ્થળ માનવામાં આવે છે.
વિદેશી પક્ષીઓનું આગમન થયું
દર વર્ષે જેમ શિયાળાની ઠંડી વધવા લાગે છે તેમ દૂર દેશોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને વિવિધ પક્ષીઓ અહીં મહેમાન બને છે. ઈન્ડોનેશિયા, લદાખ, હિમાલય, ચીન, મલેશિયા તેમજ અન્ય ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ ગરમ વાતાવરણ તથા પૂરતો ખોરાક મેળવવા વઢવાણા તળાવને પોતાનું આશ્રયસ્થાન બનાવી લે છે.

80થી વધુ જાતિના પક્ષી
તળાવમાં અત્યાર સુધી 80 થી વધુ જાતિના પક્ષીઓની હાજરી નોંધાવી છે. તેમાં રાજહંસ, ગાજહંસ, ભગવી સુરખાબ, નોર્ધન પિંટેલ (સિંગપર), કોમન ટીલ, કોમન પોચાર્ડ, લાલ ચાંચ અને રાખોડી કારચિયા, કાબરી કારચિયા, બતકની વિવિધ પ્રજાતિઓ, ચકલી, પોપટ, કાબર, પિતાશણ, બુરખાબ વગેરેનો સમાવેશ થાય છે. વહેલી સવારે તથા સૂર્યાસ્ત સમયે આ હજારો પક્ષીઓનો ઘોંઘાટ અને કિલકિલાટ તળાવના કુદરતી સૌંદર્યને ગુંજારી ઊઠે છે.
કૂદરતી સૌંદર્ય જોવા મળ્યું
કુદરતી વાતાવરણ, હરિયાળી અને પાણીનું વિસ્તૃત વિસ્તારમાં ફેલાયેલું પ્રાકૃતિક સૌંદર્ય વઢવાણા તળાવને પક્ષી નિરીક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બનાવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં આવે છે અને દુર્લભ પક્ષીઓને નજીકથી નિહાળવાનો લહાવો મેળવે છે.
ઇતિહાસ જાણો
ઈતિહાસ પર નજર કરીએ તો આશરે 100 વર્ષ પૂર્વે વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સિંચાઈ હેતુસર આ વિશાળ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સમય જતાં આ તળાવ માત્ર સિંચાઇ પ્રોજેક્ટ ન રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની રામસર સાઈટ તરીકે વિકસ્યું છે.
શિયાળાના આગમન સાથે વઢવાણા તળાવ ફરી એક વાર પાંખ ધારી મહેમાનોના કલરવથી જીવંત બની ગયું છે, જે ડભોઈ સહિત સમગ્ર મધ્ય ગુજરાત માટે કુદરતનો અનમોલ ઉપહાર સાબિત થઈ રહ્યું છે.
