Vadodara: ડેસર તાલુકાના એક ગામમાં સુરક્ષા અને માનવતાને શરમમાં નાખતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ગામમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ કે પ્રેમજાળમાં ફસાવવાના નિષ્ફળ પ્રયાસ બાદ આંકલિયા ગામના એક યુવકે બળજબરીપૂર્વક વાડામાં ખેંચી જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ડેસર તાલુકાના આંકલિયા ગામે રહેતા નરવતસિંહ સોલંકીનો 26 વર્ષીય પુત્ર જયદીપ ઉર્ફે બાબરો અવારનવાર ડેસર તાલુકાના એક ગામમાં આવન-જાવન કરતો હતો. આ દરમિયાન તેની નજર આ ગામમાં રહેતી એક યુવતી પર પડી હતી. જયદીપ ઉર્ફે બાબરો આ યુવતી સાથે અનૈતિક સંબંધ બાંધવા માટે સતત પ્રયાસો કરતો હતો, પરંતુ યુવતી તેને મચક આપતી ન હતી.
ગત 16મી જાન્યુઆરીના રોજ રાત્રિના સુમારે આશરે 10:30 વાગ્યે આરોપી જયદીપ ઉર્ફે બાબરો યુવતીના ઘરની આસપાસ જ હાજર હતો. તે વખતે યુવતી ઘરની બહાર નીકળતા જ જયદીપ તેને પકડીને ઘરની સામે આવેલા વાડામાં ખેંચી ગયો હતો. વાડામાં લઈ જઈને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય આચર્યા બાદ આરોપીએ યુવતીને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી હતી.
તેણે ધમકી આપી હતી કે જો આ બાબતે યુવતીએ પરિવાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને જાણ કરી, તો તેને જાનથી પતાવી દેવામાં આવશે. આ ધમકીના કારણે યુવતી ભય અને માનસિક દબાણ હેઠળ આવી ગઈ હતી.
જે બાદ ગત આરોપીએ અવારનવાર યુવતીને ડરાવી-ધમકાવીને તેની મરજી વિરુદ્ધ અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સતત ચાલતા આ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અને ડરના માહોલમાંથી બહાર આવીને આખરે યુવતીએ હિંમત દાખવી હતી. તેણે પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી પરિવારજનોને જણાવી હતી.
પરિવારજનો દ્વારા હિંમત મળતા યુવતી તાત્કાલિક ડેસર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે ડેસર પોલીસે આંકલિયા ગામના જયદીપ ઉર્ફે બાબરા વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ ફરિયાદ નોંધાવાની ગંધ આવતા જ આરોપી જયદીપ ઉર્ફે બાબરો ઘર છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ ડેસર પોલીસે આ નરાધમ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને જુદી જુદી ટીમો બનાવીને તેની સઘન શોધખોળ શરૂ કરી છે. આ પ્રકરણથી સમગ્ર વિસ્તારની દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
