Vadodara Airport: ઈન્ડિગોની કટોકટી વચ્ચે વડોદરાના મુસાફરોને રાહત મળી, એર ઈન્ડિયાએ વધારાની ફ્લાઈટ દોડાવી

મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં પોતાની ફ્લાઈટની તાજેતરની સ્થિતિ ઓનલાઈન ચેક કરી લે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 08 Dec 2025 10:24 AM (IST)Updated: Mon 08 Dec 2025 10:24 AM (IST)
vadodara-passengers-got-relief-amid-indigo-crisis-air-india-operated-additional-flights-651511

Indigo Flight Controversy: ઈન્ડિગો એરલાઈન્સમાં પાયલટ રૂલ્સના અમલ અને આંતરિક વિવાદના કારણે સર્જાયેલી કટોકટી દેશભરમાં ફ્લાઈટ્સ રદ થવાનું કારણ બની છે. ઈન્ડિગોની 2000 થી વધુ ફ્લાઈટ્સ રદ થતા લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા એરપોર્ટ પર પણ છેલ્લા પાંચ દિવસથી પરિસ્થિતિ વિકટ છે, જ્યાં સતત ફ્લાઈટ્સ રદ થવાના અને વિલંબ થવાના બનાવો સામે આવી રહ્યા છે.

યાત્રીઓ માટે સારા સમાચાર

રવિવારે, ઈન્ડિગોની મુંબઈ–વડોદરા–મુંબઈ (6E-5126/6087, 6E-2168/5138) અને બેંગ્લોર–વડોદરા–બેંગ્લોર (6E-807/808) રૂટની ફ્લાઈટ્સ 'ઓપરેશનલ કારણોસર' રદ કરવામાં આવી હતી, જેનાથી અનેક મુસાફરો અટવાયા હતા. મુસાફરોના વધતા આક્રોશ અને એરપોર્ટ પરની અસમંજસની સ્થિતિ વચ્ચે વડોદરાના યાત્રીઓને મોટી રાહત આપવા માટે એર ઈન્ડિયા આગળ આવ્યું છે.

એર ઈન્ડિયાની વધારાની ફ્લાઈટ

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઈન્ડિગોની રદ થયેલી ફ્લાઈટ્સના કારણે ફસાયેલા મુસાફરોને સહાય પૂરી પાડવા માટે એર ઈન્ડિયાએ 8 ડિસેમ્બર, 2025ના રોજ દિલ્હી–વડોદરા–દિલ્હી રૂટ પર વધારાની ફ્લાઈટ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે.

  • દિલ્હીથી વડોદરા (AI-3314): બપોરે 14:30 વાગ્યે વડોદરા પહોંચશે.
  • વડોદરાથી દિલ્હી (AI-3315): બપોરે 15:10 વાગ્યે વડોદરાથી દિલ્હી માટે રવાના થશે.

મુસાફરોને આ સુચના આપવામાં આવી

ઈન્ડિગોમાં કટોકટી હજી યથાવત હોવાથી આગામી દિવસોમાં પણ ફ્લાઈટ ઓપરેશન્સ પર અસર થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, એર ઈન્ડિયા દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરાયેલી આ વધારાની ફ્લાઈટ વડોદરાના મુસાફરો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં પોતાની ફ્લાઈટની તાજેતરની સ્થિતિ ઓનલાઈન ચેક કરી લે.