વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ સામે SOG પોલીસની લાલ આંખ, અનેક વિસ્તારોમાં મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ

વડોદરા SOG પોલીસ ટીમોએ મોડી રાત્રે સંવેદનશીલ જગ્યાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 07 Aug 2026 01:41 PM (IST)Updated: Fri, 07 Aug 2026 01:43 PM (IST)
vadodara-police-sog-drugs-surprise-checking-nizampura-fatehgunj
Vadodara Police Drug Raid

Vadodara Police Drug Raid: વડોદરા શહેરમાં તાજેતરમાં જ એક યુવતીએ ડ્રગ્સના વેચાણને લઈને ગંભીર ખુલાસા કર્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ વડોદરા પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રગ્સ વિરોધી અભિયાનને તેજ કરતા SOG ટીમોએ મોડીરાત્રે સંવેદનશીલ જગ્યાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી.

ફતેગંજ, નિઝામપુરા અને નવાયાર્ડમાં તપાસ

વડોદરા SOG ટીમો દ્વારા શહેરના સંવેદનશીલ અને સતત ભીડભાડવાળા વિસ્તારો જેવા કે ફતેગંજ, નિઝામપુરા અને નવાયાર્ડમાં વ્યાપક અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આકસ્મિક તપાસને કારણે સ્થાનિક અસામાજિક તત્વો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

કાફે, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાઓ પર નજર

પોલીસ ટીમોએ આ ખાસ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન તબક્કાવાર સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદ લારી-ગલ્લાઓ, સ્થાનિક કાફે અને રેસ્ટોરન્ટ્સ તથા યુવાનોની વધુ અવરજવર વાળા જાહેર સ્થળો પર મોડી રાત્રે અચાનક જંગી પોલીસ કાફલાને જોઈને શંકાસ્પદ વેપારીઓ તેમજ અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ડ્રગ અંગે પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ જાળવી રાખવા તેમજ ડ્રગ્સના વ્યાપક દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે વડોદર SOG પોલીસ દ્વારા નાગરિકોને પણ સક્રિય બનવા અનુરોધ કરવામાં આવ્યો છે. SOG પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે કે જો તેમના ધ્યાનમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે ડ્રગ્સના વેચાણ અંગેની કોઈપણ નાની-મોટી માહિતી આવે, તો વિલંબ કર્યા વિના તુરંત જ પોલીસને જાણ કરવી.

ચાલુ વર્ષમાં SOG પોલીસની મોટી કામગીરી

યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે SOG પોલીસ દ્વારા અગાઉથી જ સઘન ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SOG દ્વારા ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 46 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી દરમિયાન ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા શખ્સો પાસેથી અંદાજે 1.36 કરોડ રૂપિયાનો જંગી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરાને ડ્રગ્સ મુક્ત બનાવવા પેટ્રોલિંગ યથાવત

વડોદરા SOG પોવીલના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારે સતત પેટ્રોલિંગ અને આકસ્મિક સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. આ પોલીસ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ પેડલર્સમાં પોલીસનો કડક ખૌફ પેદા કરવાનો અને વડોદરા શહેરને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાનો છે.