Vadodara News: વડોદરા શહેરના અતિવ્યસ્ત અને પોશ ગણાતા તાંદલજા વિસ્તાર નજીક આવેલા સન ફાર્મા રોડ પર ગત મોડી રાત્રિના સમયે દારૂના નશામાં ધૂત એક કારચાલકે બેફામ વાહન ચલાવી ગંભીર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે.
નશામાં ધૂત કાર ચાલકે થાંભલા સાથે કાર અથડાવી
પ્રાપ્ત વિગતો અનુસાર, સન ફાર્મા રોડ પર આવેલી ગેલેક્સી હોસ્પિટલની સામે પુરઝડપે જઈ રહેલી એક કારના ચાલકે વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. નશાની હાલતમાં રહેલા આ ચાલકે બેકાબૂ બનેલી કારને રોડ વચ્ચે આવેલા ડિવાઇડર અને વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ કારના એરબેગ્સ ખૂલી ગયા હતા અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.
કાર ચાલક નશામાં હોવાનું જાણતાં લોકોમાં રોષ
ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. કારચાલક ભારે નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એકત્ર થયેલા નાગરિકોએ નશામાં વાહન હંકારીને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનાર આવા તત્વો સામે તંત્ર દ્વારા કડકથી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી.
લોકોએ કડક કાર્યવાહીની માંગણી કરી
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં તાંદલજા અને તેની આસપાસના વિસ્તારોમાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને અસંતોષનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જો પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં નહીં આવે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસોમાં સખત પગલાં નહીં ભરાય, તો ભવિષ્યમાં વધુ મોટી જાનહાનિ થઈ શકે છે.
અકસ્માતમાં જાનહાનિનો કોઇ અહેવાલ નથી
સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, જે એક મોટી રાહતની વાત છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કારચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા આવા અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
મકરપુરામાં અકસ્માતમાં 15 વર્ષના કિશોરનું મોત
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ગત રાત્રે પૂરઝડપે દોડતી એસટી બસે એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 15વર્ષના એક કિશોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
