Vadodara Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકરની સાદગી હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 17 ના ભાજપના ઉમેદવાર રાજેશ માછી ચૂંટણીના આ અતિ વ્યસ્ત સમયમાં પણ પોતાની ફરજ ભૂલ્યા નથી.
BJP ઉમેદવાર બન્યા છતાં ફરજ પહેલા
ભારતીય જનતા પાર્ટીએ સ્કૂલવાન ચાલક રાજેશભાઈને ચૂંટણીમાં ટિકિટ આપી છે. ઉમેદવાર જાહેર થયા હોવા છતાં, હંમેશની જેમ તેઓ પોતાની સ્કૂલ વેન લઈને વિદ્યાર્થીઓને લેવા પહોંચ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા રાજેશભાઈ છેલ્લા 15 વર્ષથી સ્કૂલવાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાજપે તેમની 15 વર્ષની વફાદારી અને મહેનતની કદર કરીને તેમને કોર્પોરેટર પદ માટે ટિકિટ આપી છે.

પરીક્ષા સમયે બાળકોના ભવિષ્યની ચિંતા
હાલમાં વિદ્યાર્થીઓની અંતિમ પરીક્ષા ચાલી રહી હોવાથી, રાજેશભાઈએ રાજકીય પ્રચારને બાજુ પર મૂકી બાળકોના ભવિષ્યને પ્રાધાન્ય આપ્યું હતું. પોતાની ફરજ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, "પરીક્ષાનો સમય હોવાથી બાળકોને સમયસર સ્કૂલે પહોંચાડવા અને પરત લાવવા એ મારી નૈતિક જવાબદારી છે". વર્ષ 1995 થી ભાજપના કાર્યકર રહેલા રાજેશભાઈએ સ્પષ્ટ કર્યું કે, પક્ષની જવાબદારી નિષ્ઠાથી નિભાવીશ, પરંતુ વ્યવસાય જ મારી ઓળખ છે.

ડ્રાઈવર આલમમાં ખુશીનો માહોલ
ભાજપ દ્વારા એક સામાન્ય વાનચાલકને ઉમેદવાર બનાવતા વડોદરાના અન્ય સ્કૂલ વેન ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથી ચાલકોએ રાજેશભાઈનું મોં મીઠું કરાવી તેમને શુભેચ્છા પાઠવી હતી. ડ્રાઈવરોમાં એક નવી આશા જાગી છે કે તેમનો પ્રતિનિધિ કોર્પોરેશનમાં હશે, જેથી તેમની પડતર સમસ્યાઓની સીધી રજૂઆત સરકારમાં થઈ શકશે.
આ પણ વાંચો: Vadodara: ચૂંટણી ટાણે 'ગટર અને પાણી' મુદ્દે જનતાનો મિજાજ ગરમ, ભાજપના ઉમેદવારો સામે વિરોધ
"જીત્યા પછી પણ ડ્રાઈવર જ રહીશ"
રાજેશ માછીની આ સાદગીની આખા વોર્ડમાં પ્રશંસા થઈ રહી છે. તેમણે મક્કમતાથી જણાવ્યું હતું કે, "કોર્પોરેટર બન્યા પછી પણ હું મારો સ્કૂલ વેન ચલાવવાનો વ્યવસાય ચાલુ જ રાખીશ". ભાજપની 'સામાન્ય કાર્યકરને મહત્વ' આપવાની નીતિનું રાજેશ માછી આજે એક જીવંત ઉદાહરણ પુરવાર થયા છે.
