Valsad Flood: અતિભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને અન્ય અસરગ્રસ્તોને સુરત અને અમદાવાદની તરાહ પર જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે
વલસાડ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વલસાડ અને નવસારી જિલ્લામાં નોધાયેલા અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખી બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે.
ખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, ઘાસચારાની અછત દૂર કરવા કલેક્ટરને તાત્કાલિક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. અસરગ્રસ્તોને આ મહિનાથી જ રાશન સહાય આપવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ પ્રવક્તામંત્રીએ જણાવ્યું.
આ પણ વાંચો
જીતુ વાઘાણીએ સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું કે, દોઢ- બે દિવસમાં એક સાથે આટલો વરસાદ પડી જાય એ અસાધારણ ઘટના છે. કદાચ ભારતમાં આટલો ભારે વરસાદ બહુ ઓછા સ્થળોએ પડ્યો હશે અને આ કટોકટીની સ્થિતિમાં રાજ્ય સરકાર નાગરિકોની પડખે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિનાથી જ રાશન આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. નવસારી અને વલસાડ જિલ્લામાં ખેતીઅને બાગાયતમાં જે નુકશાન થયું છે, તેનો સર્વે કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાધોરણ અનુસાર મદદ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, બાગાયતી પાકોમાં જે છોડ-વૃક્ષને નુકશાન થયું છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવવા પ્રયાસ કરવામાં આવશે. પુર દરમિયાન એનજીઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, પત્રકારો અને સ્થાનિક નાગરિકોના સેવાભાવનાને મંત્રીએ બિરદાવી હતી.
રાજ્ય સરકારે વલસાડ અને નવસારી જિલ્લાના નાગરિકોને વિશ્વાસ આપ્યો છે કે, આ કુદરતી આપત્તિમાંથી ઝડપથી બહાર લાવવા માટે તમામ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે અને દરેક અસરગ્રસ્ત સુધી સહાય પહોંચાડવામાં આવશે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 18,000 લાભાર્થીઓને રૂ. 3.50 કરોડની કેશડોલ સહાય, રૂ. 9.50 કરોડની ઘરવખરી સહાય તથા મકાન સહાય સહિત વિવિધ પ્રકારની રાહત પહોંચાડવામાં આવી છે.
કૃષિ મંત્રીએ આજે ઉમરગામ તાલુકાના મોહનગામ અને પારડીના તીઘરા ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યના નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ,ખાદી,કુટીર અને ગ્રામ ઉદ્યોગ અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
